અમદાવાદમાં ઢોસાનું ખીરું જીવલેણ બન્યું: 2 માસૂમ બાળકીઓના કરૂણ મોત, માતા-પિતા વેન્ટિલેટર પર!

અમદાવાદના શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે…સ્થાનિક ડેરીમાંથી લાવવામાં આવેલા તૈયાર ખીરાના ઢોસા ખાધા બાદ એક જ પરિવારના ચાર સભ્યોને ઝેરી અસર થઈ હતી.આ દુર્ઘટનામાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રીનું કરૂણ મોત નીપજ્યું છે.જ્યારે માતા-પિતા હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ચાંદખેડાના આઈઓસી (IOC) રોડ પર રહેતા પ્રજાપતિ પરિવારે બે દિવસ પહેલા સ્થાનિક ‘ઘનશ્યામ ડેરી’ પરથી ઢોસાનું તૈયાર ખીરું ખરીદ્યું હતું.સાંજે ઢોસા ખાધાના ગણતરીના કલાકોમાં જ આખા પરિવારની તબિયત લથડી હતી.ઉલટી અને ઝાડા થતા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં બંને બાળકીઓએ દમ તોડ્યો હતો.
આ પણ વાંચો:
તપાસનો ધમધમાટ: FSL મેદાને
ઘટનાની ગંભીરતા જોતા પોલીસ અને FSL (Forensic Science Laboratory) ની ટીમ તાત્કાલિક હરકતમાં આવી છે:
-
સેમ્પલ સીઝ: એફએસએલની ટીમે ઘનશ્યામ ડેરી પર પહોંચી ખીરાના સેમ્પલ સીઝ કર્યા છે.
-
સીસીટીવી તપાસ: પોલીસે ડેરીના સીસીટીવી ફૂટેજ અને વેચાણના રજીસ્ટરની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
-
રિપોર્ટની રાહ: સેમ્પલના લેબ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ ફૂડ પોઈઝનિંગ હતું કે ખીરામાં કોઈ અન્ય ઝેરી તત્વ ભળ્યું હતું.
ડેરી માલિકનો બચાવ: “ખીરું શુદ્ધ હતું”
બીજી તરફ,ડેરીના માલિક કેતન પટેલ અને વિપુલ પટેલે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું છે કે:
“અમે રોજનું 100 થી 125 કિલો ખીરું વેચીએ છીએ..જે બેચમાંથી પ્રજાપતિ પરિવારે ખીરું લીધું હતું, તે જ ખીરું અન્ય 50 થી વધુ ગ્રાહકો પણ લઈ ગયા હતા.અમે અન્ય ગ્રાહકો સાથે ફોન પર વાત કરી છે,કોઈને પણ કોઈ તકલીફ થઈ નથી.અમારા ખીરામાં ખામી હોત તો અન્ય લોકોને પણ અસર થઈ હોત.”
ઉભા થતા વેધક સવાલો
આ ઘટનાએ અનેક સવાલોને જન્મ આપ્યો છે:
-
જો ખીરું સુરક્ષિત હતું, તો માત્ર આ જ પરિવારને ગંભીર અસર કેમ થઈ?
-
શું ખીરું રાખવાના વાસણમાં કોઈ ખામી હતી કે પછી રાંધતી વખતે કોઈ અન્ય વસ્તુ ભળી ગઈ હતી?
-
ઉનાળાની આકરી ગરમીમાં ખીરું વધુ પડતો આથો આવવાને કારણે ઝેરી (Toxic) તો નહોતું બની ગયું ને?
હાલમાં સમગ્ર ચાંદખેડા વિસ્તારમાં આ ઘટનાને પગલે શોક અને ફફડાટનો માહોલ છે. પોલીસ હવે મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
- Advertisement -
- Advertisement -