જન વિશ્વાસ બિલ: ભારતમાં વેપાર અને જીવનશૈલીને સરળ બનાવતું ક્રાંતિકારી પગલું

ભારત સરકાર દ્વારા દેશમાં ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ અને ‘ઈઝ ઓફ લિવિંગ’ને વેગ આપવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં રાજ્યસભામાં ‘જન વિશ્વાસ (જોગવાઈઓનું સુધારા) વિધેયક 2026’ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું છે. લોકસભામાં અગાઉ જ મંજૂરી મેળવી ચૂકેલું આ બિલ હવે કાયદાનું સ્વરૂપ લેશે, જેના હેઠળ સરકાર 79 કેન્દ્રીય કાયદાઓની કુલ 784 જોગવાઈઓમાં મોટા પાયે ફેરફારો કરવા જઈ રહી છે. આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય વહીવટી પ્રક્રિયાઓમાં થતી નાની-મોટી ભૂલોને ગુનાની શ્રેણીમાંથી મુક્ત કરી, દંડની વ્યવસ્થાને વધુ તર્કસંગત બનાવવાનો છે. સરકારનું લક્ષ્ય વહીવટી તંત્રમાં ભયનું વાતાવરણ દૂર કરી ‘વિશ્વાસની સંસ્કૃતિ’ (Culture of Trust) સ્થાપિત કરવાનું છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આ બિલની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ નવો કાયદો નાગરિકો અને ઉદ્યમીઓને તેમની ભૂલો સુધારવાની પૂરતી તક આપશે. તેમણે ખાસ કરીને દેશના વધતા જતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 500 થી વધીને 3 લાખ સુધી પહોંચી છે. આવા સંજોગોમાં યુવા ઉદ્યમીઓથી અજાણતા થતી નાની ભૂલો બદલ તેમને જેલ મોકલવાને બદલે પ્રોત્સાહન આપવું અનિવાર્ય છે. આ માટે સરકાર હવે ‘તબક્કાવાર કાર્યવાહી’ની નીતિ અપનાવશે.જેમાં પ્રથમ વખત ભૂલ કરનારને ચેતવણી આપવામાં આવશે. અને ત્યારબાદ જ દંડ કે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ વિધેયકની ક્રાંતિકારી જોગવાઈઓ પર નજર કરીએ તો, સરકારે જેલ અને દંડના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. જે અંતર્ગત 57 જોગવાઈઓમાંથી જેલની સજા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. જ્યારે 158 જોગવાઈઓમાંથી દંડ દૂર કરવામાં આવ્યો છે. વધુમાં, 17 જોગવાઈઓમાં જેલની મુદત ઘટાડવામાં આવી છે અને 113 એવી જોગવાઈઓ છે જેમાં જેલની સજાને માત્ર દંડમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ સુધારાઓ મોટર વ્હીકલ એક્ટ, રેલવે, વીજળી, બેંકિંગ અને વીમા જેવા સામાન્ય જનતા સાથે સીધા જોડાયેલા કાયદાઓમાં લાગુ થશે.
જોકે, આ સુધારા વચ્ચે સરકારે જન સ્વાસ્થ્ય અને સુરક્ષા બાબતે કોઈ બાંધછોડ કરી નથી. નકલી દવાઓના ઉત્પાદન, સંગ્રહ કે વેચાણ જેવા ગંભીર ગુનાઓ માટે અગાઉની જેમ જ કડક સજાની જોગવાઈ ચાલુ રહેશે. આ બિલના અમલીકરણથી દેશમાં ન્યાયતંત્ર પરનું ભારણ પણ ઘટશે..કારણ કે લગભગ 1,000 જેટલા નાના વિવાદો માટે હવે નાગરિકોએ અદાલતોના ધક્કા ખાવા પડશે નહીં. અંતતઃ, આ વિધેયક નાગરિકો અને સરકાર વચ્ચેના વિશ્વાસને મજબૂત બનાવી **‘વિકસિત ભારત’**ના સ્વપ્નને સાકાર કરવામાં પાયાની ભૂમિકા ભજવશે.
- Advertisement -
- Advertisement -