બનાસકાંઠા,વાવ–થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ તૈયાર કરાયુ્ં
બનાસકાંઠાના દિયોદર ખાતે ઠાકોર સમાજનું મહા સંમેલન યોજવામાં આવ્યું હતુ.જેમાં બનાસકાંઠા,વાવ થરાદ અને પાટણ જિલ્લાના સમસ્ત ઠાકોર સમાજે તા.04.01.2026 રવિવારના રોજ ઠાકોર સમાજની એકતા, સંસ્કાર અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે“એક સમાજ એક રિવાજ”, “એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ” અને “એક રિવાજ શ્રેષ્ઠ સમાજ” સુત્રોને આધારે ઠાકોર સમાજનો બંધારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બનાસકાંઠા, વાવ-થરાદ તથા પાટણ જિલ્લાના સમસ્ત ઠાકોર સમાજના આગેવાનો, વડીલો અને સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




આ બંધારણનો મુખ્ય હેતુ સમાજમાં ચાલતા વિવિધ રિવાજોમાં એકરૂપતા લાવી, સમાજને સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને પ્રગતિશીલ બનાવવાનો છે. ખાસ કરીને લગ્ન પ્રસંગો તથા અન્ય સામાજિક કાર્યક્રમોમાં એકસરખી પદ્ધતિ અપનાવીને અનાવશ્યક ખર્ચ, ગેરસમજ અને ભેદભાવ દૂર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.





કયા ખાસ સંકલ્પો લેવામાં આવ્યા ?
➤સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢમણા પ્રથા બંધ કરવામાં આવે.
➤લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવી નહીં, સાદુ કાર્ડ રાખવું હોય તો રાખી શકાશે.
➤મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે.
➤જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં.
➤જાનનો વરઘોડો-મામેરું કે જાનમાં ડીજે લઈ જવું નહીં.
➤બુટ્ટી,મંગળસૂત્ર,પગની ઝાંઝરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે.આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈપણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં.
➤જમણવારમાં એક મીઠાઈ,દાળ ભાત, કઠોળ,લીલી શાકભાજી, રોટલી,રોટલા પુરી અને છાસ રાખી શકાશે.
➤ઢૂંઢ પ્રસંગે આમંત્રણ કે રાવણું નું રાખવું નહીં.
➤જન્મદિવસની બર્થડે પાર્ટી કે જાહેર કાર્યક્રમો રાખવા નહીં.
➤જન્મદિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની સમાજની લાઇબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપી શકશે.
➤મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહીં કે સમર્થન કરવું નહીં.
➤લગ્ન,જન્મ,મરણ,પુણ્યતિથિ સગાઈ કે અન્ય કોઈપણ પ્રસંગે સમાજની લાઇબ્રેરીમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ ગમે તેટલી રકમનો ફાળો આપી શકાશે.
➤મરણ પ્રસંગે ખીચડી કઢી અને તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈપણ વસ્તુ વાપરી શકાશે નહીં.
➤બેસણામાં કોઈપણ વાર ને ક-વાર ન ગણવો.
➤ મામેરામાં કપડાની ઓઢામણી સદંતર બંધ રહેશે.
➤ મામેરામાં માત્ર રોકડમાં જ ભરવું અને રોકડમાં જ ઓઢામણું કરવું.
➤ મામેરામાં ઓછામાં ઓછા 11 હજાર અને વધુમાં વધુ 1.51 લાખથી વધુની રકમ ન આપવી.
➤ મામેરામાં દાગીના અને વાસણ આપવાની પ્રથા બંધ.
➤ દીકરીને લગ્નમાં ભેટમાં રસોડા સેટ જ આપવા.
➤ બિમારી પ્રસંગે બોલામણા પ્રથા સદંતર બંધ.
➤ સગાઈમાં 21થી વધારે લોકોને નથી લઈ જવા.
➤ સગાઈમાં નાળિયેર અને એક રૂપિયો જ આપવાનો રહેશે.
➤ વૈશાખ અથવા મહા મહિનામાં લગ્નની તારીખ રાખવી.
➤ મહિલા અને પુરુષ સહિત 100 લોકોને જ જાનમાં જવું.
➤ જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જઈ શકાશે.ડી.જે સદંતર બંધ.
➤ જાનમાં 11 થી વધુ ગાડીઓ ન લઈ જવી.
➤ મામેરામાં વધુમાં વધુ 100 લોકોને જ જવું.
➤સમાજ વ્યસન મુક્ત બને અને શિક્ષણ યુક્ત બને તેમ જન જન સુધી જાગૃતિ આવે તેવા સતત પ્રયત્નો સંકલન સમિતિઓએ કરવા.
➤દર વર્ષે 4 જાન્યુઆરીને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો રહેશે અને બંધારણના નિયમોની સમીક્ષા કરવાની રહેશે.
સમસ્ત ઠાકોર સમાજના આગેવાનો દ્વારા આ બંધારણને સમાજના હિતમાં ઐતિહાસિક અને મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું છે.. અને સમાજના સર્વ સભ્યોને આ બંધારણને સ્વીકારી, એકતાનો પરિચય આપી સમાજને નવી દિશામાં આગળ વધારવા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
- Advertisement -