
રાજ્ય સરકારે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારે સુદ્રઢ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સલામત માર્ગો દ્વારા પરિવહન સુવિધા સરળ બનાવવા રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે રૂપિયા ૩૧૦૦ કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં જોગવાઈ કરી છે.. જે અંતર્ગત વટામણ-પીપળી, સુરત – સચિન- નવસારી, અમદાવાદ-ડાકોર, ભૂજ-ભચાઉ, રાજકોટ-ભાવનગર, અને મહેસાણા-પાલનપૂર સહિત ૬ જેટલા હાઈ સ્પીડ કોરીડોર વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટ હેઠળ ઉત્તર ગુજરાતના મહેસાણા-ઊંઝા-સિધ્ધ્પૂર-પાલનપૂર હાઈવે પર અગાઉ ૨૦૨૩-૨૪માં અલગ-અલગ ૯ જેટલા ક્રોસીંગ સ્થળો પર ફ્લાયઓવર તેમજ વ્હીક્યુલર અન્ડરપાસ અને ૩ નદીઓ પર નવિન બ્રીજ મંજૂર કર્યા છે. સરકારે સુદ્રઢ રોડ નેટવર્કની દિશામાં એક કદમ આગળ વધતા વધુ એક ફ્લાયઓવર અને બે વ્હીક્યુલર અન્ડરપાસના નિર્માણ માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
આ ઉપરાંત મહેસાણા શહેરમાં રાધનપૂર સર્કલ પરના વધારે પડતા ટ્રાફિકના નિવારણ માટે રૂ. ૧૩૬ કરોડના ખર્ચે નવો સિકસ લેન ફ્લાયઓવર બ્રિજ, નાગલપૂર ક્રોસ રોડ પર અકસ્માત નિવારી શકાય તે માટે અંદાજીત રૂ.૫૪.૪૦ કરોડના ખર્ચે સિક્સ લેન વ્હીક્યુલર અન્ડરપાસ અને ઉનાવા ખાતે બંને ક્રોસ રોડ પર રૂ. ૭૨.૧૬ કરોડના અંદાજિત ખર્ચે નવો ૬-માર્ગીય વ્હીક્યુલર અન્ડરપાસ બનાવવાની કામગીરી હાથ ધરાશે. આ નિર્ણયથી ઉત્તર ગુજરાત વિસ્તારના લોકોને અમદાવાદ સાથેની વધુ સરળ, સલામત અને ઝડપી રોડ કનેક્ટીવીટી મળશે.

