કલોલની એડિશનલ જ્યુડિશિયલ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ચાર વર્ષ પહેલા બારોટ વાસમાં જુગાર રમતા ઝડપાયેલા 12 આરોપીઓને કલોલનાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ પી.એચ. સિંહે તકસીરવાન ઠરાવીને બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે તમામ આરોપીઓને કુલ 33 હજારનો દંડ પણ ફટકાર્યો છે. જો આરોપી દંડની રકમ ન ચૂકવે તો બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ પણ કર્યો છે.
જણાવી દઈએ કે, વર્ષ 2019માં કલોલના બારોટ વાસમાં આવેલા એક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે આરોપી શૈલેષ ઉર્ફે શેલાભાઈ બારોટ, ધર્મેન્દ્ર બારોટ, જતીન બારોટ, દશરથ પટેલ, સૌનક ગાંધી, જીગ્નેશ ગાંધી, કેતન શાહ, હિતેશ શાહ, કલ્પેશસિંહ દેવડા, કાંતિજી ઠાકોર, રવીન્દ્ર પટેલ તેમજ શરદ બારોટને જુગાર રમતાં રંગેહાથ ઝડપ્યા હતા અને 29 હજાર 450ની રોકડ, જુગારનું સાહિત્ય, 10 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 63 હજાર 600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં સ્થાનિક પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
એક આરોપીનું અવસાન થતા કામ એબેટ કરાયું
આ કેસ કલોલની એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા મેજિસ્ટ્રેટ પી.એચ. સિંહે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય લાખી તમામ 12 આરોપીઓને જુગાર ધારાની કલમ હેઠળ 2 વર્ષની સખત સજા ફટકારી છે. જ્યારે એક આરોપી શૈલેષ બારોટનું અવસાન થયું હોવાથી તેની સામેનું કામ એબેટ કરવામાં આવ્યું છે. જ્યારે દરેક આરોપીને ત્રણ હજાર લેખે કુલ 33 હજારનો દંડ અને જો દંડ ના ભરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો પણ આદેશ કર્યો છે.

