ગાંધીનગર શહેરમાં 36 સરકારી શાળાઓ છે જ્યારે જિલ્લામાં 571 શાળાઓ છે ત્યારે આજે વિધાનસભામાં જવાબ રજૂ કરાયો એ મુજબ 130 આસપાસ શિક્ષકોની ઘટ છે. શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો.
ગાધીનગર જિલ્લાના બાળકોને ૧૦૦ ટકા શિક્ષણ મળી રહે તે માટે ગાંધીનગરની ૯૬૦ પ્રાથમિક અને ૩૨૧ માધ્યમિક શાળાઓ કાર્યરત છે પરંતુ ખાસ કરીને શાળાઓમાં શિક્ષકો પણ ઓછા છે. ત્યારે શાળાઓમાં શિક્ષકોની પણ ધટ પૂર્ણ થાય તે જરૂરી છે.
પંદરમી વિધાનસભાના બીજા સત્ર દરમિયાન ધારાસભ્યશ્રી દ્વારા ગાંધીનગર જિલ્લામાં કાર્યરત સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ અંગે પૂછેલા લેખિત પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરમાં ૩૬ સરકારી અને ૪૯ ખાનગી મળીને ૮૫ તથા ગાંધીનગર જિલ્લામાં ૫૭૧ સરકારી, ઉપરાંત અનુદાનિત ૩૯ અને ૨૬૫ ખાનગી મળીને ૮૭૫ પ્રાથમિક શાળાઓ છે.
આ ઉપરાંત માધ્યમિક શિક્ષણ માટે ગાંધીનગર જિલ્લામાં ધો. ૯-૧૦ની ૧ તથા ધો. ૯-૧૨ની સળંગ એકમ ધરાવતી ૧ એમ મળીને કુલ ૨ સરકારી શાળાઓ, ધો. ૯-૧૦ની ૬૨ તથા ધો. ૯-૧૨ની સળંગ એકમ ધરાવતી ૧૨૭ એમ મળીને કુલ ૧૮૯ અનુદાનિત શાળાઓ તેમજ ૧૩૦ જેટલી ખાનગી શાળાઓ કાર્યરત છે. આમ જિલ્લાની ૧૨૮૧ જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ મારફતે જિલ્લાના ૧૦૦ ટકા બાળકો સુધી મહત્તમ શિક્ષણનો લાભ પહોંચે તે માટે સરકાર કાર્યશીલ છે.

