ઝાલોદના યુવા સામાજિક અગ્રણી નીલમબેન વસૈયા (નીલુ જોહાર)એ સરકારી શાળાઓ, હોસ્પિટલ અને બાળકો વચ્ચે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી
કુલદેવીના આશીર્વાદ, બાળકોને શૈક્ષણિક કિટ-છોડનું વિતરણ અને પ્રસુતા મહિલાઓને ફળ વિતરણ કરી સેવા-સમર્પણનો સંદેશ આપ્યો
ઝાલોદ તાલુકાની વિવિધ ૮ થી વધુ સરકારી શાળાઓ અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લીધી
ઝાલોદના સામાજિક કાર્યકર નીલમ એમ. વસૈયા (નીલુ જોહાર) દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ ભવ્ય સભારંભકે કેક કાપવા પૂરતી સીમિત ન રાખી, સમાજના જરૂરિયાતમંદ લોકો, બાળકો અને પ્રકૃતિની સેવા કરીને અત્યંત પ્રેરણાદાયી રીતે કરવામાં આવી હતી.
જન્મદિવસના શુભ દિવસે તેમણે સૌપ્રથમ પોતાના કુલદેવી આઈ ઝલાઈ માતાજી અને ઝાલા દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે ‘સેવા, શિક્ષણ, સંવેદના અને પ્રકૃતિ’ના સંકલ્પ સાથે ઝાલોદ તાલુકાના વિવિધ વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો.

તેમણે ચિત્રોડિયા ખાતે વર્ષોથી બાળકો માટે નિઃશુલ્ક ‘સેવા જોહાર ક્લાસ’ ચલાવતા રિંકેશભાઈના ઘરે પહોંચી બાળકો સાથે સમય વિતાવ્યો હતો. અહીં બાળકોને નોટબુક, પેન્સિલ કિટ અને ચોકલેટનું વિતરણ કરીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેમણે ઝાલોદ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ પ્રસુતિ માટે ભરતી થયેલી મહિલાઓનું સ્વાસ્થ્ય પૂછી તેમને ફળ અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું. આ સાથે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે મુલાકાત કરી દર્દીઓ તેમજ સ્ટાફને પડતી વિવિધ સમસ્યાઓ અને સુવિધાઓ અંગે સકારાત્મક ચર્ચા કરી હતી.
શિક્ષણ અને પર્યાવરણ પ્રત્યેની પોતાની કટિબદ્ધતા દર્શાવતા નીલમબેને ઝાલોદ આઈ.પી. મિશન પ્રાથમિક શાળા, ઝાલોદ કુમાર શાળા, ધાવડિયા, બંબેલા, મહુડી, ખરશાના, ચિત્રોડિયા અને વેલપુરા જેવી વિવિધ સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી. દરેક શાળામાં તેમણે બાળકો સાથે સંવાદ સાધી તેમને ચોકલેટ તેમજ પર્યાવરણ જતન માટે વડના છોડ (વટવૃક્ષ) અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે વાતચીત કરતા નીલમબેન વસૈયા (નીલુ જોહાર)એ જણાવ્યું હતું કે, “મારા માટે જન્મદિવસ માત્ર કેક કાપવા કે શુભેચ્છાઓ મેળવવાનો દિવસ નથી. જન્મદિવસ પર કોઈ બાળકના હાથમાં શિક્ષણની સામગ્રી પહોંચે, કોઈ જરૂરિયાતમંદના ચહેરા પર હાસ્ય આવે અને ધરતી પર એક નવો છોડ રોપાય — એ જ મારી સાચી ખુશી છે.”
તેમના આ સેવાકીય કાર્યને સ્થાનિક નાગરિકો, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા ખૂબ બિરદાવવામાં આવ્યું હતું.
રિપોર્ટર : યાસીર ગુડાલા, દાહોદ
- Advertisement -
- Advertisement -