દહેગામમાં ગ્રામસેવકોનું આક્રમક આંદોલન શરૂ: કાળી પટ્ટી બાંધી સરકાર સામે વિરોધનું બ્યુગલ ફૂંકાયું
સરકાર દ્વારા લાંબા સમયથી પડતર માગણીઓનું નિરાકરણ ન લાવવામાં આવતા આખરે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગ્રામસેવકોએ આક્રમક મિજાજ અખત્યાર કર્યો છે. ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના આહ્વાન હેઠળ આજરોજ દહેગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ પર હાજર રહીને જ કર્મચારીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પંચાયત પરિસર “હમારી માંગે પૂરી કરો” અને “વંદે માતરમ” ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે સ્થાનિક વહીવટી બેડામાં ભારે ચર્ચા જાગી છે.
અન્ય સંવર્ગોના કામોનું ભારણ વધારવા સામે રોષ વ્યક્ત કરતાં ગ્રામસેવકોએ જણાવ્યું હતું કે, અગાઉ આપેલા સાત દિવસના અલ્ટીમેટમ છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. ખેડૂતોના ઉત્કર્ષની વાતો કરતી સરકાર હાલ 8 થી 10 ગામ દીઠ માત્ર એક ગ્રામસેવક રાખી રહી છે, જેના કારણે ખેડૂતોને પૂરતું માર્ગદર્શન મળવામાં મુશ્કેલી પડે છે.
ગ્રામસેવકોની મુખ્ય વ્યાજબી માગણીઓ
અન્ય સંવર્ગો (જેવા કે રેવન્યુ તલાટી અને ખેતી મદદનીશ) ના જોબચાર્ટની કામગીરી ગ્રામસેવકો પાસે કરાવવાનું દબાણ તાત્કાલિક બંધ કરવું.
ખેડૂત હિતને ધ્યાને રાખી, 1 થી 2 ગામ વચ્ચે 1 ગ્રામસેવકની જગ્યા ઊભી થાય તે રીતે નવા સેજાઓનું પુનઃગઠન કરવું.
મહામંડળને વિશ્વાસમાં લઈને ગ્રામસેવકો માટે સ્પષ્ટ અને ન્યાયી જોબચાર્ટ જાહેર કરવો.
પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં 4200 નો ગ્રેડ-પે પુનઃસ્થાપિત કરવો અને બંધ કરેલી પ્રમોશનની તકો પુનઃ શરૂ કરવી.
ગ્રામસેવક સંવર્ગને પંચાયત વિભાગમાંથી કૃષિ વિભાગના વહીવટી માળખા હેઠળ સમાવેશ કરવો.
ઓનલાઈન કામગીરી માટે સ્માર્ટફોન, કમ્પ્યુટર, ઈન્ટરનેટ સુવિધા કે એલાઉન્સ પૂરું પાડવું તેમજ મુસાફરી ભથ્થામાં વધારો કરવો.
વહીવટી પારદર્શિતા માટે રજૂઆતોનો લેખિત પ્રત્યુત્તર આપવાની પદ્ધતિ શરૂ કરવી.
આંદોલનનું તબક્કાવાર આગામી આયોજન
9 સપ્ટેમ્બર (આજરોજ): કાળી પટ્ટી ધારણ કરીને વિરોધની શરૂઆત કરવામાં આવી છે.
14 સપ્ટેમ્બર: તમામ ગ્રામસેવકો સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થઈ જશે.
21 સપ્ટેમ્બર: તમામ ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરાશે.
25 સપ્ટેમ્બર: પેન ડાઉન (કામકાજથી અલિપ્ત) રહી વિરોધ પ્રદર્શિત કરાશે.
1 ઓક્ટોબર: તમામ કર્મચારીઓ માસ સીએલ (માસ સી.એલ.) પર ઉતરશે.
2 ઓક્ટોબર (ગાંધી જયંતી): જો માંગણીઓ નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે.
- Advertisement -
- Advertisement -