સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત થઈ રહેલા ન્યાયાધીશ સંજય કરોલે તેમના વિદાય સમારોહમાં ન્યાયતંત્ર અને ન્યાયાધીશોની ભૂમિકા વિશે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ભાવનાત્મક વિચારો રજૂ કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જજ કોઈ ભગવાન નથી અને તેમની પાસેથી દરેક ચુકાદો સંપૂર્ણપણે સાચો હોવાની અપેક્ષા રાખી શકાતી નથી. ન્યાય કરવા માટે વિનમ્રતા સૌથી વધુ જરૂરી છે.
ન્યાયાધીશ કરોલના ભાષણના મુખ્ય અંશો:
માણસને ઓળખવો જરૂરી: ન્યાયાધીશોએ દરેક મુકદ્દમામાં માત્ર એક ‘યાચિકાકર્તા’ નહીં, પરંતુ તેની પાછળ ઉભેલા અસલી માનવીને અને તેની વેદનાને જોવી જોઈએ.
ખામોશીઓ પણ ઘણું બધું કહે છે: અદાલતમાં બોલાતા તર્કો ઉપરાંત, જે વાતો શબ્દોમાં નથી કહેવાતી તે ‘ખામોશીઓ’ને પણ સમજવાની ક્ષમતા ન્યાયાધીશમાં હોવી જોઈએ.
ધર્મનો અર્થ ‘કતર્વ્ય’: કાયદો અને બંધારણને સમજવા માટે ‘ધર્મ’ની અવધારણાને ટાંકતા તેમણે જણાવ્યું કે અહીં ધર્મનો અર્થ કોઈ પૂજા-પાઠ કે અનુષ્ઠાન નહીં, પરંતુ માત્ર ‘કર્તવ્ય’ છે.
40 વર્ષનો લાંબો કાનૂની પ્રવાસ: પોતાના લગભગ 4 દાયકાના કરિયરને યાદ કરતા તેમણે કહ્યું કે, શરૂઆતમાં તેમણે વકીલ તરીકે અને છેલ્લા 19 વર્ષથી ન્યાયાધીશ તરીકે સેવા આપી છે. કોર્ટરૂમ તેમના માટે માત્ર કાર્યસ્થળ નથી રહ્યો, પણ જીવનમાં એક મોટી ભૂમિકા ભજવી છે.
સામાન્ય નાગરિકનો વિશ્વાસ: સુપ્રીમ કોર્ટની ખરી અસલિયત એ સામાન્ય નાગરિકના ભરોસામાં છે. જે અદાલતના દરવાજા પર આશા સાથે આવે છે. સાથે જ, જે લોકો ન્યાયને મોંઘો કે દૂર માનીને કોર્ટ સુધી પહોંચી નથી શકતા, તેમને પણ યાદ રાખવાની જરૂર છે.
ન્યાયમૂર્તિ કરોલે અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે બંધારણ માત્ર કાયદો લાગુ કરવાની અપેક્ષા નથી રાખતું, પરંતુ તેને ન્યાયપૂર્ણ રીતે લાગુ કરવાની માંગ કરે છે. ન્યાયાધીશનું કર્તવ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે અદાલતના દરવાજે આવેલો દરેક નાગરિક, ભલે તે ગમે તેટલો નબળો હોય, તેને ન્યાય મળે અને તેની વાત સાંભળવામાં આવે.