અમેરિકાની ઝાકમજોળમાં બરબાદ થયેલી જિંદગીઓ: શિકાગોમાં ગુજરાતી યુવકે પત્નીને મોતને ઘાટ ઉતારી
અમેરિકાની ચમકદમક અને ડૉલર કમાવવાની ઘેલછા કેટલી હદે હસતા-રમતા પરિવારોને તહેસનહેસ કરી નાખે છે..તેનું વધુ એક કરુણ અને હચમચાવી નાખે તેવી ઘટના શિકાગોમાંથી સામે આવી છે. અંકુર પટેલ નામના એક ગુજરાતી યુવકે કથિત અનૈતિક સંબંધોના વિવાદમાં પોતાની જ પત્નીની ગળા પર ચાકૂ ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી છે. આ ભયાનક ઘટનાએ માત્ર શિકાગો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી સમુદાયને હચમચાવી દીધો છે.
ઘટનાની હૃદયદ્રાવક વિગતો
શિકાગોના આલ્બની પાર્ક વિસ્તારમાં આવેલા નોર્થ એવર્સ એવેન્યૂના એક અપાર્ટમેન્ટમાં રવિવારે રાતે આ હત્યાકાંડ અંજામ પામ્યો હતો. અંકુરે તેની પાંચ વર્ષની દીકરીને લઈ જવાના બહાને પત્નીને ઘરે બોલાવી હતી. અગાઉ પત્ની જય નામના યુવક સાથે પ્રેમ સંબંધોમાં બંધાઈને ઘરમાંથી ભાગી ગઈ હતી.. અને એકાદ મહિનો તેની સાથે રહ્યા બાદ પરત ફરી હતી. જોકે, થોડા સમય પછી તે પોતાની પાંચ વર્ષની માસૂમ દીકરીને પતિ પાસે જ છોડીને ફરી પેલા પ્રેમી સાથે રહેવા ચાલી ગઈ હતી.
આ ઘટનાથી તૂટી ગયેલા અને કથિત રીતે ગુસ્સામાં અંધ બનેલા અંકુરે રવિવારે રાતે અઢી વાગ્યાની આસપાસ પત્નીના ગળા પર ચાકૂના ઘા મારીને તેની જીવનલીલા ટૂંકાવી નાખી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ અંકુર ભારત ભાગી જવાની ફિરાકમાં એરપોર્ટ પહોંચ્યો હતો.પરંતુ શિકાગો પોલીસે માત્ર નવ કલાકની ટૂંકી અંદર જ એરપોર્ટ પરથી સિક્યોરિટી ચેક વખતે જ તેની ધરપકડ કરી લીધી હતી. હાલ તે ફર્સ્ટ ડિગ્રી મર્ડરના ચાર્જનો સામનો કરી રહ્યો છે.
સંબંધોની વરવી વાસ્તવિકતા અને ભૂતકાળના ઘા
અમેરિકા પહોંચતા પહેલા આ દંપતીએ એકબીજાના નામના ટેટૂ પણ કરાવ્યા હતા.. પરંતુ વિદેશની ધરતી પર પગ મૂક્યા બાદ પરિસ્થિતિ બદલાતી ગઈ. અંકુર રાત-દિવસ સખત મહેનત કરીને વિદેશનું દેવું ચૂકવી રહ્યો હતો.. જ્યારે તેની પત્ની જિંદગીમાં આવેલા નવા સંબંધો પાછળ દોટ મૂકી રહી હતી.
પત્ની પહેલીવાર ભાગી ગઈ ત્યારે અંકુરે એક રડતો વિડીયો વાયરલ કર્યો હતો.. જે તે સમયે ભારે ચર્ચામાં રહ્યો હતો. બીજી તરફ, મૃતક યુવતીએ અંકુર પર મારપીટ કરવાના અને પગાર રાખી લેવાના આક્ષેપો કર્યા હતા. આ કૌટુંબિક કલહ અને અવિશ્વાસે આખરે એક ભયાનક અંજામ મેળવ્યો. વર્ષ 2015માં મેરીલેન્ડમાં ભદ્રેશ પટેલે તેની પત્ની પલક પટેલની હત્યા કરી દીધી હતી.. અને તે આજદિન સુધી પકડાયો નથી. અંકુરનો આ કેસ પણ ક્યાંક ને ક્યાંક તે ઘટનાની યાદ અપાવે છે.
એક માસૂમ બાળકીનું ઉજ્જડ થતું ભવિષ્ય
આ સમગ્ર કરુણતામાં જો કોઈ સૌથી મોટી સજા ભોગવી રહ્યું હોય, તો તે આ દંપતીની નિર્દોષ પાંચ વર્ષની દીકરી છે. જેની માતા હંમેશાં માટે આ દુનિયા છોડીને ચાલી ગઈ છે.. અને પિતા કદાચ આખી જિંદગી જેલના સળિયા પાછળ વિતાવશે. એક ભૂલના કારણે આખી જિંદગીની જે જેલ બની છે. તેમાં સૌથી મોટો શિકાર આ ફૂલ જેવી દીકરી બની છે.
શીખ અને નિષ્કર્ષ: અમેરિકાની ઝાકમજોળ સામે માનસિકતાની પડતી
આ ઘટના માત્ર એક અપરાધ નથી. પણ ડૉલર કમાવવાની દોડમાં રહેલાં અનેક પરિવારો માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે.
-
અમેરિકાની ભ્રામક આઝાદી: નાના શહેરો કે ગામડાંમાંથી અમેરિકા પહોંચતા લોકો ત્યાંની ઝાકઝમાળ અને ભૌતિક આઝાદીથી એટલા અંજાઈ જાય છે કે. તેમને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાતો બંધ થઈ જાય છે.
-
મર્યાદાઓનું પતન: ભારતમાં સમાજની શરમ અને સંબંધોની પવિત્રતા સાચવીને જીવતા લોકો વિદેશમાં જઈને ‘જિંદગી ના મિલેગી દોબારા’ જેવી અતિવાદી માનસિકતા અપનાવી લે છે.
-
ઘર અને પરિવારનો વિનાશ: પૈસા, આંધળી હવસ અને પશ્ચિમી અંધાધૂંધ અનુકરણના ચક્કરમાં અનેક ગુજરાતી પરિવારો તહેસનહેસ થઈ જાય છે. જો સમયસર પોતાની ભૂલ સમજાઈ જાય, તો પરિવાર બરબાદ થવાથી બચી શકે છે; પરંતુ અહંકાર અને ખોટા રસ્તે બહુ આગળ નીકળી ગયેલા લોકો પોતાની સાથે-સાથે આખા પરિવારની જિંદગી નર્ક બનાવી દે છે.
- Advertisement -
- Advertisement -