‘ગરીબી હટાવી, શાકભાજી વેચી’: બિહારના ઝંડૂ કુમારે CWG 2026માં ભારતને અપાવ્યો પહેલો મેડલ
સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં યોજાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું મેડલ ટેલીમાં ખાતું બિહારના પેરા પાવરલિફ્ટિંગ એથ્લીટ ઝંડૂ કુમારે ખોલ્યું છે. જેમની અહીં સુધીની સફર જરાય સરળ નહોતી. 28 વર્ષીય ઝંડૂ કુમાર બિહારના નાલંદા જિલ્લાના રહેવાસી છે. તેમને બાળપણમાં પોલીયો થયો હતો અને આ ઉપરાંત ગરીબી તથા આર્થિક તંગીનો પણ સામનો કરવો પડ્યો હતો. આ તમામ પડકારો છતાં ઝંડૂ કુમારે હાર ન માની અને ગ્લાસગોમાં કમાલ કરીને પેરા પાવરલિફ્ટિંગ ઇવેન્ટમાં 190 કિલોગ્રામ વજન ઉપાડીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. ઝંડૂ કુમાર 8 વર્ષ પછી બિહારના પહેલા એવા એથ્લીટ છે. જેમણે કોમનવેલ્થ સ્તરની સ્પર્ધામાં દેશ માટે પદક જીત્યો છે.
5 વર્ષની ઉંમરે થયો હતો પોલીયો
ઝંડૂ કુમારના જીવનની વાત કરીએ તો, જ્યારે તેઓ માત્ર 5 વર્ષના હતા ત્યારે તેમને પોલીયો થયો હતો. તેમના ઘરનું ગુજરાન હરનૌત બજારમાં શાકભાજી વેચીને ચાલતું હતું. કોરોના મહામારી દરમિયાન તેમની શાકભાજીની દુકાન બંધ થઈ ગઈ હતી, જેના કારણે પરિવારનું ભરણપોષણ કરવા માટે તેમણે ઇ-રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન ઝંડૂ કુમારે ક્યારેય પ્રેક્ટિસ કરવાનું છોડ્યું નહીં. તેઓ દરરોજ સવારે બિહાર શરીફ જઈને શાકભાજી ખરીદીને બજારમાં વેચતા અને ત્યારબાદ સાંજે જીમમાં જઈને પ્રેક્ટિસ કરતા હતા. ઝંડૂએ વર્ષ 2023માં નેશનલ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે પોતાની ઇ-રિક્ષા પણ વેચી દીધી હતી. જ્યાં રાષ્ટ્રીય કોચ રાજિન્દર સિંહ રાહેલુની નજર ઝંડૂ કુમાર પર પડી હતી. ત્યારબાદ જ તેમને ગાંધીનગર સ્થિત નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સમાં ટ્રેનિંગ મેળવવાની તક મળી હતી.
ખેલો ઇન્ડિયામાંથી જીત્યો સિલ્વર અને પછી શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું
નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સમાં ટ્રેનિંગની તક મળ્યા બાદ ઝંડૂ કુમારે પાછળ વાળીને જોયું નથી. તેમણે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો, તો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર પણ પોતાના શાનદાર પ્રદર્શનથી ચર્ચા મેળવી. ઝંડૂ કુમારે કોમનવેલ્થ ગેમ્સ 2026માં પોતાના આખરી પ્રયાસમાં 196 કિલોગ્રામ વજન ઉપાડવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં, જેના કારણે તેમને કાસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો.
- Advertisement -
- Advertisement -