વિયેતનામમાં મોટી હોનારત: પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી જતાં 15 ભારતીયોના કરુણ મોત
વિયેતનામ: વિયેતનામના ફૂ ક્વોક આઈલેન્ડ (Phu Quoc Island) નજીક શનિવારે સર્જાયેલા એક ગમખ્વાર બોટ અકસ્માતમાં 15 ભારતીય પ્રવાસીઓના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ બોટમાં કુલ 32 ભારતીય નાગરિકો સવાર હતા.
વિયેતનામમાં શનિવારે બનેલી આ દુર્ઘટના બાદ હડકંપ મચી ગયો છે. ભારતીય દૂતાવાસે આ દુઃખદ ઘટનાની પુષ્ટિ કરી છે. હાલમાં ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી (Rescue and Search Operation) યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે અને સ્થાનિક વહીવટીતંત્ર સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
ભારતીય દૂતાવાસે શું કહ્યું?
ભારતીય દૂતાવાસે આ દુર્ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, ભારતીય નાગરિકોની મદદ માટે હનોઈ સ્થિત એમ્બેસી અને હો ચી મિન્હ સિટીમાં ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની મદદ કે માહિતી મેળવવા માટે ભારતીયો આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. દૂતાવાસ દ્વારા હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.
આંધ્રપ્રદેશના શિક્ષણ મંત્રીએ કરી સમીક્ષા
આંધ્રપ્રદેશના શિક્ષણ અને આઈટી મંત્રી નારા લોકેશે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. તેમને માહિતી મળી હતી કે આંધ્રપ્રદેશના ઘણા લોકો રજાઓ ગાળવા વિયેતનામ ગયા છે. જેને પગલે તેમને ચિંતા થઈ કે ક્યાંક તેમાં તેમના રાજ્યના લોકો તો નથી ને? મંત્રી લોકેશે આંધ્રપ્રદેશ સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને નવી દિલ્હીમાં સ્થિત આંધ્ર ભવનના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક કરી હતી. અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં આંધ્રપ્રદેશના પણ કેટલાક લોકો સામેલ હોવાની આશંકા છે. પરંતુ હાલમાં આ અંગે સત્તાવાર સ્પષ્ટતા થવાની બાકી છે.
- Advertisement -
- Advertisement -