34.9 C
Ahmedabad
Sunday, July 5, 2026

કલોલને મળશે અત્યાધુનિક ‘ન્યાય મંદિર’: ₹49 કરોડના ખર્ચે હાઈટેક કોર્ટ અને એડવોકેટ સંકુલનું ભવ્ય ભૂમિપૂજન


ગાંધીનગર/કલોલ: રાજ્યમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા અને સામાન્ય નાગરિકોને ઝડપી ન્યાય અપાવવાની દિશામાં ગાંધીનગરના કલોલ ખાતે એક ઐતિહાસિક લોકાર્પણ સંપન્ન થયું છે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનીતા અગ્રવાલની ગરિમામય અધ્યક્ષતામાં અને કાયદા તેમજ ન્યાય રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં ₹49 કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા અત્યાધુનિક તાલુકા કોર્ટ અને વકીલ મંડળના સંકુલનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ અને ગાંધીનગર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિ શ્રી નીરલ આર. મહેતાએ પણ ભાવુકતા સાથે કલોલ કોર્ટ સાથેના પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા.

📊 મોડલ પ્લાન G+6 ઇમારત: વકીલો માટે પાર્કિંગ સાથે અલગ 6 માળનું ભવ્ય બિલ્ડિંગ

હાઈકોર્ટે લીધેલા મહત્વપૂર્ણ નીતિવિષયક નિર્ણય અંતર્ગત હવે રાજ્યમાં નિર્માણ પામનારા તમામ નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલો માટે અલગ સુવિધાજનક ‘એડવોકેટ બિલ્ડિંગ’ અનિવાર્યપણે બનાવવામાં આવશે. કલોલ ખાતે હાઈકોર્ટના મોડલ પ્લાન મુજબ મુખ્ય ન્યાયિક સંકુલ G+6 (ગ્રાઉન્ડ પ્લસ 6 માળ) નું બનશે. આ સાથે જ કાયદાના રક્ષકોને ગૌરવપૂર્ણ સ્થાન મળી રહે તે માટે વકીલો માટે પાર્કિંગ પ્લસ 6 માળનું અલગ ભવ્ય બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પરિસરમાં મધ્યસ્થી સેન્ટર (Mediation Center), ફાઇલિંગ સેન્ટર, પબ્લિક ફેસિલિટી, કોન્ફરન્સ હોલ, લાયબ્રેરી અને ચેમ્બર્સ જેવી પાયાની તમામ હાઇટેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

🤝મિડિએશનપર વિશેષ ભાર: કેસોના ઝડપી નિકાલ માટે ચીફ જસ્ટિસની અપીલ

કલોલના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રના ઐતિહાસિક મહત્વને રેખાંકિત કરતા મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે જણાવ્યું હતું કે, ભવ્ય ઇમારતોની સાથે ગતિશીલ અને અસરકારક ન્યાયિક વ્યવસ્થા એ જ સાચો ન્યાય છે. તેમણે કલોલ બાર એસોસિએશનના આશરે 450 જેટલા વકીલોને અપીલ કરી હતી કે, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (DLSA) ના સચિવ સાથે સંકલન સાધી વધુને વધુ વકીલો હાઈકોર્ટ કક્ષાએ મધ્યસ્થતા માટેની વિશેષ તાલીમ મેળવે. દરેક તાલુકામાં એક સક્ષમ અને ફૂલ-પ્રોજેક્ટ મેડિએશન સેન્ટર હોવું જોઈએ, જેથી પક્ષકારોને કોર્ટના લાંબા ચક્કરમાંથી મુક્તિ મળે અને વૈકલ્પિક માધ્યમથી સુખદ સમાધાન થઈ શકે. તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કાયદા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના સક્રિય સહયોગને બિરદાવતા ઉમેર્યું કે, સરકારના ત્વરિત નિર્ણયોને કારણે આજે સમગ્ર ભારતમાં ગુજરાત જ્યુડિશિયરીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વશ્રેષ્ઠ છે.

💎 સામાન્ય નાગરિકને સમયસર અને પરવડે તેવો સુલભ ન્યાય મળશે: કાયદા મંત્રી

ભૂમિપૂજન પ્રસંગે કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, આજે માત્ર નૂતન ભવનનું ભૂમિપૂજન નથી થયું, પરંતુ લોકશાહીના મજબૂત સ્તંભ એવા ન્યાયતંત્ર પર કરોડો નાગરિકોના વિશ્વાસનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની કાયમી ભાવના રહી છે કે સામાન્યમાં સામાન્ય નાગરિકને પરવડે તેવો અને સુલભ ન્યાય સમયસર મળી રહેવો જોઈએ. જેમ મજબૂત રસ્તાઓ વિકાસ લાવે છે, તેમ મજબૂત ન્યાયિક સંસ્થાઓ સમાજમાં વિશ્વાસનું વાતાવરણ પૂરું પાડે છે. ગાંધીનગર જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી આશિષ મલ્હોત્રાએ શાબ્દિક સ્વાગત કરતા આ ભવ્ય પરિસરને બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરતું એક સાચું ‘ન્યાય મંદિર’ ગણાવ્યું હતું.

👥 સમારોહમાં મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ

આ ગૌરવશાળી પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી આઈ. જે. વોરા, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવ, કાનૂની વિભાગના સચિવ શ્રી ઉપેન્દ્ર ભટ્ટ, રજિસ્ટ્રાર શ્રી સંજય સુથાર, કલોલ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી કૃણાલ કોઠારી સહિત બાર એસોસિએશનના પદાધિકારીઓ, ન્યાયિક અધિકારીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -