29.9 C
Ahmedabad
Saturday, July 4, 2026

ગુજરાત ATSની મોટી સફળતા: જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ, 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ


ગુજરાત આતંકવાદ વિરોધી દળ (ATS) એ દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી ષડયંત્ર વિરુદ્ધ એક ઓપરેશન હાથ ધરીને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા 8 ઇસમોની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ ગુજરાતમાં સ્લીપર સેલ જેવું સક્રિય નેટવર્ક ઊભું કરીને મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.

ગુપ્ત બાતમી અને હાઈટેક ઓપરેશન

ATS ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને ગુપ્ત માહિતી મળી હતી કે, કેટલાક લોકો જૈશ-એ-મોહમ્મદ (JeM) ની કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર કરી રહ્યા છે.અને સ્થાનિક યુવકોને આ સંગઠનમાં જોડવા માટે પ્રેરિત કરી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ તેજ કરવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું કે આ આરોપીઓ જેહાદી સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરીને સ્થાનિક સ્તરે ‘દાવત’ આપી રહ્યા હતા. ત્યારબાદ ATSની વિશેષ ટીમોએ બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ તેમજ મધ્યપ્રદેશના દેવાસમાં સંયુક્ત દરોડા પાડીને નીચે મુજબના 8 આરોપીઓની ધરપકડ કરી હતી:

ધરપકડ કરાયેલા આરોપીઓના નામ:

  1. અહમદ અબ્દુલ્લા ગાજીવાળા

  2. ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા

  3. મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાળા

  4. ઝકારિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘા

  5. મુફ્તિ ફૌજાન ઇસ્માઇલ દાઉવા

  6. મોહમ્મદ અમીન શેરા

  7. મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી

  8. બિલાલ મોહમ્મદ અમ્માર ઘાઘા

પાકિસ્તાની કનેક્શન અને મોડસ ઓપરેન્ડી

પકડાયેલા આ આરોપીઓએ ગુજરાતમાં ‘દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ’ નામના એક સંગઠન (તન્જીમ) ની સ્થાપના કરી હતી. તેઓ સીધા પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતા. આ આતંકી ષડયંત્રને આગળ વધારવા માટે ટેરર ફંડિંગ હેઠળ અંદાજે 3 લાખ રૂપિયા મેળવ્યા હોવાનું પણ ખુલ્યું છે. જેમાંથી તેમણે રેકી અને અવરજવર માટે એક જૂની કાર ખરીદી હતી.

ડિજિટલ પુરાવા અને પ્રતિબંધિત સાહિત્ય જપ્ત

દરોડા દરમિયાન આરોપીઓના મોબાઈલ ફોનમાંથી અત્યંત સંવેદનશીલ ડેટા મળી આવ્યો છે. તેઓ સુરક્ષિત વાતચીત માટે ‘નોર્ડ લોકર’ (Nord Locker) એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા, જેમાંથી:

  • 254 જેટલા વાંધાજનક ડિજિટલ દસ્તાવેજો (જેહાદી પુસ્તકો, ઓડિયો અને વીડિયો).

  • જૈશ-એ-મોહમ્મદના ઝંડા.

  • પાકિસ્તાનથી છપાયેલા પ્રતિબંધિત પુસ્તકો.

  • આતંકી આકા મસુદ અઝહરને સંબોધીને ઉર્દુમાં લખાયેલા પત્રો.

આ તમામ પુરાવાઓના આધારે આરોપીઓ વિરુદ્ધ અનલોકફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (UAPA) અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ધરપકડ કરાયેલા તમામ આઠેય આરોપીઓને આજે કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ATS દ્વારા આ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કના ઊંડાણપૂર્વકના રહસ્યો ખોલવા માટે રિમાન્ડની માંગણી કરાતા, કોર્ટે તમામના 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં એજન્સીઓ જપ્ત કરાયેલા દસ્તાવેજો, ફંડિંગના સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા સ્થાનિક મદદગારોની સઘન પૂછપરછ કરી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -