વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2 જુલાઈએ ભારતનો કતાર સામે અને 5 જુલાઈએ લેબનોન સામે મુકાબલો થશે
વિવિધ પ્રતિષ્ઠિત રમતોના આંતરરાષ્ટ્રીય આયોજનો સાથે અમદાવાદ સતત એક મોટા ‘સ્પોર્ટ્સ હબ’ તરીકે ઉભરી રહ્યું છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
અમદાવાદ ‘ફિબા (FIBA) બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ – વિન્ડો 3’ ની યજમાની કરી રહ્યું છે. જેમાં ભારતીય પુરુષ બાસ્કેટબોલ ટીમ 2 જુલાઈથી 5 જુલાઈ, 2026 દરમિયાન નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયાના બે મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે ટકરાશે.
ભારત આજે 2 જુલાઈએ (ગુરુવારે) કતાર સામે પોતાના અભિયાનની શરૂઆત કરી અને ત્યારબાદ 5 જુલાઈએ લેબનોન સામે ટકરાશે. ક્વોલિફિકેશન માટે આ બંને મેચો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વિવિધ રમતોના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય આયોજનો સાથે અમદાવાદ સતત એક મોટા સ્પોર્ટ્સ હબ તરીકે આગળ વધી રહ્યું છે. તેમણે નોંધ્યું કે, આ જ સ્થળ પર સફળતાપૂર્વક ‘એવીસી (AVC) મેન્સ વોલીબોલ કપ’નું આયોજન કર્યાના ગણતરીના દિવસોમાં જ, શહેર વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અન્ય એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ — ‘FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ (વિન્ડો 3)’ નું સ્વાગત કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 2026 AVC મેન્સ વોલીબોલ કપ 20 થી 28 જૂન, 2026 દરમિયાન અમદાવાદમાં યોજાયો હતો, જે ભારતમાં આ ટૂર્નામેન્ટનું પ્રથમ આયોજન હતું.
શ્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, “અમદાવાદ ઝડપથી એક પ્રીમિયર સ્પોર્ટ્સ હબ તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપના એક જ અઠવાડિયામાં અન્ય એક મોટી આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ટૂર્નામેન્ટની યજમાની કરવી, એ ગુજરાતના વર્લ્ડ-ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજ્યમાં આંતરરાષ્ટ્રીય રમતગમતના આયોજનોને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
આ મેચો FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 માટેના એશિયન ક્વોલિફાયર્સમાં ભારતના અભિયાનનો એક ભાગ છે. હેડ કોચ સ્કોટ ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ, ભારતીય ટીમ હાલમાં યુવા પ્રતિભાઓને ખીલવવા અને મૂલ્યવાન આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવા પર ભાર મૂકીને પુનઃગઠનના તબક્કામાંથી પસાર થઈ રહી છે.
નવીનતમ FIBA રેન્કિંગમાં વિશ્વમાં 76મા અને એશિયામાં 14મા ક્રમે રહેલી ભારતીય ટીમ, ક્વોલિફિકેશન અભિયાનની પડકારજનક શરૂઆત પછી હવે વધુ સારા પ્રદર્શનની આશા રાખશે. અમદાવાદના હોમ ગ્રાઉન્ડનો (સ્થાનિક પ્રશંસકોનો) લાભ ટીમને અનુભવી વિરોધીઓ સામે મજબૂત ટક્કર આપવા માટે મોટો આત્મવિશ્વાસ પુરો પાડશે.
ભારતીય ટીમમાં કન્વર સંધુ, પ્રણવ પ્રિન્સ, પ્રિન્સપાલ સિંઘ અને હર્ષ ડાગર જેવા કેટલાક આશાસ્પદ ખેલાડીઓ સામેલ છે. જેમણે તાજેતરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.
અમદાવાદ ચાર દિવસ સુધી આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મેચોનું સાક્ષી બનવા જઈ રહ્યું છે ત્યારે બાસ્કેટબોલ પ્રેમીઓ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય ટીમને સપોર્ટ કરવા આવે તેવી અપેક્ષા છે. એશિયન બાસ્કેટબોલમાં ભારતનું સ્થાન મજબૂત કરવા માટે આ બંને મેચો ખૂબ જ મહત્વની છે.