તેલંગાણા: ભાજપ નેતા માધવી લતાએ સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો, ૨૫ મીટર પિસ્તોલ સ્પર્ધામાં બતાવ્યો દમ
રાજકારણની સાથે-સાથે ખેલજગતમાં પણ પોતાની પ્રતિભાનો ડંકો વગાડતા તેલંગાણા ભાજપના અગ્રણી નેતા અને સામાજિક કાર્યકર્તા માધવી લતાએ 12મી તેલંગાણા સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો છે. હૈદરાબાદના ગચીબોલી ખાતે આવેલી SATS શૂટિંગ રેન્જમાં આયોજિત આ સ્પર્ધાની 25 મીટર પિસ્તોલ (વુમન્સ માસ્ટર્સ) કેટેગરીમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. માધવી લતાએ 300માંથી 245 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો જમાવ્યો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ અંગે વાત કરતા માધવી લતાએ જણાવ્યું હતું કે, આ સફળતા વર્ષોની સખત મહેનત અને દ્રઢ સંકલ્પનું પરિણામ છે. બાળપણમાં NCC કેડેટ તરીકેના દિવસો યાદ કરતા તેમણે ઉમેર્યું કે, પ્રજાસત્તાક દિવસની તાલીમ શિબિરો (RD Camp) દરમિયાન રાઈફલ શૂટિંગની પ્રેક્ટિસ કરતી વખતે જ તેમને આ રમત પ્રત્યે લગાવ થયો હતો. જેને આજે તેઓ એક પ્રોફેશનલ સ્તર પર લઈ આવ્યા છે.
કેટલાક વર્ષો પહેલા ખભામાં લાગેલી ગંભીર ઈજા છતાં તેમણે ક્યારેય હાર માની નહોતી. આ શારીરિક પડકારને સ્વીકારીને તેમણે સ્પોર્ટ્સ પિસ્તોલ શૂટિંગને પોતાનું નવું લક્ષ્ય બનાવ્યું અને સતત અભ્યાસ ચાલુ રાખ્યો. હવે તેમનું આગામી લક્ષ્ય પ્રી-નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરવાનું છે.
માધવી લતાએ પોતાની આ સફળતાનો શ્રેય પોતાના કોચ, સહયોગીઓ અને પરિવારને આપ્યો છે. તેમણે ભાવુકતા સાથે જણાવ્યું કે, આ માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી. પરંતુ એ તમામ લોકોની જીત છે. જેમણે મુશ્કેલ સમયમાં તેમની પડખે રહીને સાથ આપ્યો હતો. આ સાથે જ તેમણે દેશની મહિલાઓ અને યુવાનોને રમતગમતના ક્ષેત્રમાં આગળ આવવા અને ગમે તેવા પડકારો સામે હિંમતભેર લડવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
- Advertisement -
- Advertisement -