33.2 C
Ahmedabad
Wednesday, July 1, 2026

આસામ પૂર: 221 ગામો પાણીમાં ગરકાવ, 3800 હેક્ટર પાક નષ્ટ; 6 જિલ્લાના 47,000 લોકો પ્રભાવિત


ગુવાહાટી: આસામમાં 30 જૂનના રોજ પૂરની સ્થિતિ અત્યંત નાજુક બની રહી છે. આ સીઝનમાં પૂરના કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે. જ્યારે ૬ જિલ્લામાં આશરે 47,000 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. નદીઓના વધતા જતા જળસ્તરને કારણે ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ધેમાજી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના જણાવ્યા અનુસાર, ધેમાજી જિલ્લાના સિસિબોરગાંવમાં પૂરના પાણીમાં તણાઈ જવાથી એક મહિલાનું મોત નીપજ્યું છે. જે આ વર્ષના પૂરની પ્રથમ જાનહાનિ છે.

પૂરના તાજેતરના બુલેટિન મુજબ, ધેમાજી, નલબારી, ડિબ્રુગઢ, ચિરાંગ, લખીમપુર અને વિશ્વનાથ જિલ્લાના 10 રેવન્યુ સર્કલ અને 221 ગામોના 46,938 લોકો હાલ પૂરની ઝપેટમાં છે. ધેમાજી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. જ્યાં 45,841 લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. સોમવારની સરખામણીએ પૂરની સ્થિતિ વધુ વણસી છે. સોમવારે 5 જિલ્લામાં આશરે 45,500 લોકો પ્રભાવિત થયા હતા.

નદીઓ ભયજનક સપાટીથી ઉપર

બે મુખ્ય નદીઓ—નેઆમતીઘાટ ખાતે બ્રહ્મપુત્રા અને નાંગલામુરાઘાટ ખાતે દિસાંગ—હજુ પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જો વરસાદ ચાલુ રહેશે તો પૂરની સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા છે.

મુખ્યમંત્રી અને સરકાર એક્શનમાં

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને પ્રભાવિત વિસ્તારો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનું સુનિશ્ચિત કરી રહી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં સીએમ સરમાએ લખ્યું: “અમે પૂર સામે લડવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. હું પોતે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છું, જ્યારે મારા કેબિનેટ સહયોગીઓ જમીની સ્તરે રાહત કામગીરી, બચાવ પગલાં અને સમયસર સહાય સુનિશ્ચિત કરવા માટે હાજર છે.”

સરકારના આદેશ અનુસાર, જળ સંસાધન મંત્રી સુસાંત બોરગોહૈન અને મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કેશબ મહંતે ગોહપુરમાં ચકરાંગ નદીની આસપાસના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. બોરગોહૈને જણાવ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારોમાં તાત્કાલિક પૂર સુરક્ષાના પગલાં લેવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

મોટા પાયે નુકસાન

ASDMA ના જણાવ્યા અનુસાર, હાલમાં ૪ રાહત શિબિરો અને ૬ રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત છે, જે ૪૫૦ થી વધુ વિસ્થાપિત લોકોને આશ્રય અને સહાય પૂરી પાડી રહ્યા છે. પૂરના પાણીના કારણે ૩,૮૦૯ હેક્ટર ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જ્યારે આશરે ૫૦,૦૦૦ મોટા પશુઓ સહિત ૮૮,૦૦૦ થી વધુ પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે.

પૂરના વર્તમાન મોજાને કારણે કેટલાક જિલ્લાઓમાં રસ્તાઓ અને અન્ય જાહેર મિલકતોને ભારે નુકસાન થયું છે. સત્તાવાળાઓ રાહત અને બચાવ કામગીરીની સાથે રસ્તાઓ મરામત કરવાનું કામ પણ કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટી નદીઓમાં પાણીનું સ્તર ઊંચું હોવાથી સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે અને વધુ વરસાદ પૂરની સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -