દહેજ ઉત્પીડન અને ઘરેલું હિંસાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને દરોગામી ચુકાદો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર મૌખિક દાવાઓ કે સામાન્ય આક્ષેપોના આધારે પતિના સંબંધીઓ (સાસરિયાં પક્ષ) પર કેસ ચલાવી શકાય નહીં; તેના માટે નક્કર પુરાવા હોવા જરૂરી છે.
આ ટિપ્પણી સાથે જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ નોંગમેઇકાપમ કોટીશ્વર સિંહની બેન્ચે સાસરિયાં વિરુદ્ધ IPCની કલમ 498A હેઠળ નોંધાયેલો કેસ રદ કરી દીધો છે. કોર્ટે ઉમેર્યું કે, માત્ર નાના-મોટા આક્ષેપો કરીને આખા પરિવારને કોર્ટના ચક્કરમાં ઘસી ન શકાય.
📌 શું હતો સમગ્ર મામલો? (મધ્યપ્રદેશ, ગુના શહેર)
-
લગ્ન અને ફરિયાદ: એક મહિલાના લગ્ન નવેમ્બર 2019માં થયા હતા. લગ્નના થોડા સમય બાદ, જાન્યુઆરી 2023માં મહિલાએ તેના પતિ અને સાસરિયાં વિરુદ્ધ આઈપીસીની કલમ 498A, કલમ 34 અને દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ 3 અને 4 હેઠળ ગુના (Guna) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
-
મહિલાના આક્ષેપો: મહિલાનો આરોપ હતો કે લગ્ન સમયે રોકડા, દાગીના અને ઘરવખરી સહિત ભારે દહેજ આપવા છતાં વધુ દહેજની માંગણી સાથે તેનું માનસિક ઉત્પીડન કરવામાં આવતું હતું. તેણે સીસીટીવી કેમેરાથી નજર રાખવી, હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકવો અને લાયસન્સવાળી બંદૂકથી ધમકી આપવા જેવા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.
⚖️ હાઈકોર્ટે કેસ રદ ના કર્યો, પણ સુપ્રીમ કોર્ટે ફેરવ્યો ચુકાદો
જ્યારે આ મામલો મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચ સમક્ષ પહોંચ્યો, ત્યારે હાઈકોર્ટે સાસરિયાં વિરુદ્ધની એફઆઈઆર (FIR) રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટનું માનવું હતું કે પ્રથમ દૃષ્ટિએ સંબંધીઓ સામેના આરોપો સાચા જણાય છે.
જો કે, આ આદેશ વિરુદ્ધ સાસરિયાં પક્ષે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું કે આ કેસમાં કાયદાનો દુરુપયોગ થયો છે અને સાસરિયાં સામેની તમામ કાનૂની કાર્યવાહીને સંપૂર્ણપણે ખતમ કરી દીધી.
💬 સુપ્રીમ કોર્ટનું મહત્વનું અવલોકન: “કાયદાને હથિયાર ન બનાવો”
“સંબંધો બગડે ત્યારે ગુસ્સામાં આખા પરિવારને સંડોવી દેવાય છે”
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કેટલીક અત્યંત મહત્વની વાતો નોંધી છે:
-
ગુસ્સામાં ખોટા આક્ષેપો: જ્યારે પતિ-પત્ની વચ્ચેના વૈવાહિક સંબંધો બગડે છે, ત્યારે ગુસ્સા અને કડવાશમાં અવારનવાર આખા પરિવાર પર આક્ષેપો લગાવી દેવામાં આવે છે. નીચલી અદાલતોએ આવા મામલાઓમાં પૂરી સાવચેતી રાખવી જોઈએ અને યોગ્ય તપાસ વગર સંબંધીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી ન આપવી જોઈએ.
-
‘એડજસ્ટ’ થવાની સલાહ એ ગુનો નથી: ફરિયાદી મહિલાનો માત્ર એવો આક્ષેપ હોય કે “પરિવારના સભ્યોએ પતિનો સાથ આપ્યો, વચ્ચે હસ્તક્ષેપ ના કર્યો અથવા પત્નીને જ સામંજસ્ય (એડજસ્ટ) સાધવાની કે શાંત રહેવાની સલાહ આપી”, તો તેના આધારે ગુનો બનતો નથી.
-
નક્કર પુરાવા જરૂરી: આવા કિસ્સાઓમાં કાયદાનો ઉપયોગ હથિયાર તરીકે ન થઈ શકે. જો કોઈ નક્કર પુરાવા ન હોય, તો માત્ર ‘સંબંધી’ હોવાના નાતે કોઈને પણ આરોપી બનાવી શકાય નહીં.


