પરિવર્તનનો પવન: વિજાપુરની કુડેદા બેઠક પર યુવા ચહેરા નેહા સુથાર પર જનતાએ મૂક્યો કળશ


મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની કુડેદા બેઠક પર યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ગ્લેમર જગત સાથે સંકળાયેલા અને ભાજપના ઉમેદવાર નેહા સુથારે મોટી જીત હાંસલ કરી છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા અને મોડેલિંગ ક્ષેત્રે જાણીતા નેહા સુથારે રાજકારણના મેદાનમાં ઝંપલાવીને વિરોધીઓને પછડાટ આપી છે.
લોકપ્રિયતા મતમાં પરિવર્તિત થઈ
સામાન્ય રીતે ગ્લેમર દુનિયાના લોકો જ્યારે રાજકારણમાં આવે છે ત્યારે તેમની લોકપ્રિયતા મતોમાં પરિવર્તિત થશે કે કેમ તે મોટો પ્રશ્ન હોય છે. પરંતુ કુડેદા બેઠકના મતદારોએ નેહા સુથાર પર વિશ્વાસ મૂકી તેમને વિજયી બનાવ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ નેહા સુથારને જોવા અને સાંભળવા માટે યુવાનો અને મહિલાઓની મોટી ભીડ ઉમટી પડતી હતી.
યુવા નેતૃત્વ અને વિકાસનો એજન્ડા
પોતાની જીત બાદ નેહા સુથારે મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, “આ જીત કુડેદાના પ્રત્યેક નાગરિકની જીત છે. લોકોએ જે આશા અને અપેક્ષા સાથે મને ચૂંટી છે.. તેના પર હું ખરી ઉતરીશ. ગામના પાયાના પ્રશ્નો, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ માટે હું સતત કાર્યરત રહીશ.”
કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ
પરિણામ જાહેર થતાની સાથે જ કુડેદા અને વિજાપુર પંથકમાં નેહા સુથારના સમર્થકો ઉમટી પડ્યા હતા. વિજયી ઉમેદવારને ફૂલહાર પહેરાવી, અબિલ-ગુલાલની છોળો વચ્ચે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના તાલે કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા અને ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી હતી.
રાજકીય સમીકરણો બદલાયા
વિજાપુર તાલુકાના રાજકારણમાં નેહા સુથારના પ્રવેશ અને તેમની જીતથી જૂના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. એક તરફ અનુભવી રાજકારણીઓ હતા અને બીજી તરફ ગ્લેમર સાથે જોડાયેલો નવો યુવા ચહેરો. અંતે જનતાએ પરિવર્તન અને યુવા નેતૃત્વને પસંદ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અહેવાલ : કલ્પેશ ચૌધરી
- Advertisement -
- Advertisement -