લોકસભામાં મહિલા અનામત બિલ પરાજિત: “આ અનામત નહીં, રાજકીય માળખું બદલવાનું ષડયંત્ર હતું” – રાહુલ ગાંધી
મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલું ‘બંધારણીય સુધારો વિધેયક’ લોકસભામાં જરૂરી બહુમતીના અભાવે પસાર થઈ શક્યું નથી. સરકારને આ ઐતિહાસિક બિલ પસાર કરાવવા માટે ગૃહમાં હાજર 528 સાંસદોમાંથી બે-તૃતીયાંશ એટલે કે 352 મતોની જરૂર હતી, પરંતુ તેની તરફેણમાં માત્ર 298 મતો જ પડ્યા હતા. જ્યારે 230 સાંસદોએ આ બિલની વિરુદ્ધમાં મતદાન કરતા બિલ નિષ્ફળ સાબિત થયું છે.
આ પરિણામ બાદ વિપક્ષી નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી છે:
રાહુલ ગાંધી: “બંધારણ પરનો હુમલો નિષ્ફળ રહ્યો”
વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, “અમે બંધારણ પર થયેલા આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે. અમે શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે આ બિલ મહિલાઓના સશક્તિકરણ માટે નહીં, પરંતુ ભારતનું રાજકીય માળખું બદલવાની એક યુક્તિ હતી. વિપક્ષી એકતાએ સરકારના આ ઈરાદાને સફળ થવા દીધો નથી.”
પ્રિયંકા ગાંધી: “આ લોકશાહીની મોટી જીત છે”
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બિલના પતનને લોકશાહીની જીત ગણાવતા કહ્યું કે, “સરકારે જે રીતે સીમાંકન અને જૂની વસ્તી ગણતરીની શરતો સાથે આ બિલ રજૂ કર્યું હતું, તેનું પસાર થવું અશક્ય જ હતું. અમે સીમાંકનને મહિલા અનામત સાથે જોડવાના પક્ષમાં ક્યારેય નહોતા. જે લોકો હાથરસ, ઉન્નાવ અને મણિપુરની ઘટનાઓ પર મૌન રહ્યા, તેઓ આજે મહિલા હિતની વાતો કરી રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.”
અખિલેશ યાદવ: “સરકાર વિપક્ષની ‘લક્ષ્મણ રેખા’ પાર ન કરી શકી”
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મિશ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “અમે મહિલા અનામતના વિરોધી નથી, પરંતુ તેની સાથે જોડાયેલી શરતો સામે વાંધો હતો. એવું લાગે છે કે સરકારના પ્રયાસોમાં જ કંઈક કમી રહી ગઈ છે. વિપક્ષે મહિલાઓના અધિકારોની સુરક્ષા માટે જે ‘લક્ષ્મણ રેખા’ ખેંચી હતી, સરકાર તેને પાર કરી શકી નથી. અમે ઈચ્છીએ છીએ કે મહિલાઓને તેમનું યોગ્ય સ્થાન મળે, પણ અધિકારો છીનવીને નહીં.”
- Advertisement -
- Advertisement -