ફિલ્મ ‘લાલો’ના પ્રમોશનમાં અફરાતફરી: રાજકોટના મોલમાં નાસભાગ
ગુજરાતી ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ના કલાકારો જ્યારે પ્રમોશન માટે રાજકોટના ક્રિસ્ટલ મોલ પહોંચ્યા, ત્યારે ખુશીનો માહોલ ગણતરીની મિનિટોમાં જ અફરાતફરીમાં પલટાઈ ગયો હતો.કલાકારોની એક ઝલક મેળવવા માટે ચાહકોનું એટલું જંગી ટોળું ઉમટ્યું હતું કે આયોજકો દ્વારા કરાયેલી સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હતી.અતિશય ભીડ (ઓવર ક્રાઉડ) થવાને કારણે મોલમાં ભયજનક અને અંધાધૂંધીભરી પરિસ્થિતિ સર્જાઈ હતી.
ભીડ બેકાબૂ બની જતાં લોકો ધક્કે ચઢ્યા હતા. જેના કારણે ખાસ કરીને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ ધક્કામુક્કીમાં અનેક બાળકો નીચે પટકાયા હતા. અને દબાઈ જવાની શક્યતા સર્જાઈ હતી.ઘટનાની ગંભીરતા એ હતી કે મોલની ઇલેક્ટ્રિક સીડી (એસ્કેલેટર)ના પગથિયાં પર એક માસૂમ બાળકી પટકાઈ હતી. જેના કારણે તેના જીવ પર જોખમ તોળાઈ રહ્યું હતું.
આ ગંભીર પરિસ્થિતિમાં, ભીડમાંથી બે વ્યક્તિઓ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બાળકી તરફ ધસી ગયા હતા.દેવદૂત બનીને આવેલા આ બે વ્યક્તિઓની હિંમત અને ઝડપી કાર્યવાહીને કારણે બાળકીને ગંભીર ઈજા થતાં બચાવી લેવામાં આવી હતી. તેમની ત્વરિત મદદથી બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો.
આ સમગ્ર ઘટનાએ સાર્વજનિક કાર્યક્રમોમાં સુરક્ષા અને ભીડ નિયંત્રણની ગંભીરતા દર્શાવી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન સર્જાયેલી આ ઓવર ક્રાઉડની ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. જે દર્શાવે છે કે આયોજકો ભીડને નિયંત્રિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા.
- Advertisement -
- Advertisement -