દક્ષિણ ગુજરાતમાં સીએનજી પંપ માલિકો દ્વારા આજે 400 જેટલા પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હડતાળના કારણે સીએનજી વાહન માલિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આજથી 24 કલાકની હડતાળ પાડવામાં આવી છે. કમિશન મુદ્દે્ હડતાળ સીએનજી પંપ માલિકો દ્વારા પાડવામાં આવી છે. સરકાર સામે પંપ બંધ રાખીને આ વિરોધ કરવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાતના CNG પંપ માલિકો આજથી હડતાળ પર ઉતર્યા છે. વારંવાર રજૂઆત છતાં કમિશન મુદ્દે કોઈ વધારો ના થતા આજે હડતાળ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા ગુજરાત ગેસ કંપની લિમિટેડની ફ્રેન્ચાઈઝી પંપ ધારકોની બેઠક મળી હતી. જેમાં રજૂઆત છતાં તેમની માંગ ના સંતોષાતા આખરે દક્ષિણ ગુજરાતમાં આ પંપ બંધ રાખવામાં આવ્યા છે.
છેલ્લા દોઢ વર્ષથી સીએનજી પંપ ધારકોનું કમિશન રૂ. 1.25થી વધારવાની માંગ પર કોઈ ફેરફાર કરવામાં આવ્યો ના હોવાથી આ નારાજગી જોવા મળી રહી છે. બાકી માંગણીઓના નિરાકરણમાં વિલંબ સામે પંપ ધારકોમાં ભારે રોષ જોવા મળ્યો છે જેથી આજે દક્ષિણ ગુજરાતમાં સીએનજી પંપ ધારકે અગાઉ એલાન કર્યા બાદ આજે પંપ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ ગુજરાતના CNG પંપ ધારકો દ્વારા તેમની લાંબા સમયની પડતર માંગણીઓથી નારાજ જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બીજી તરફ સીએનજી વાહન ચાલકો પણ સતત ભાવ વધારાથી મુશ્કેલીમાં મુકાયા છે. સીએનજીના ભાવ છેલ્લા બેથી ત્રણ વર્ષમાં કુદકેને ભૂસકે વધી રહ્યા છે. જેથી તેમનામાં પણ નારાજી જોવા મળી રહી છે.

