ભારત આ વર્ષે G20 સમિટનું યજમાન છે, ત્યારે ગુજરાતમાં આ કાર્યક્રમ અંતર્ગત 15 જેટલી બેઠકોનું આયોજન કરવામાં અવાયું છે. આજે એમાંથી પહેલી બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે થયું. બી ટ્વેન્ટી ઇનસેપ્શન બેઠકનું આયોજન 22થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે આજે બેઠકના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બી20 ઇન્સેપ્શન મિટીંગનું ઓપનિંગ થવાનું હતું. જો કે અનિવાર્ય સંજોગોના કારણે છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી આ બેઠકનું ઓપનિંગ કરી શક્યા નહીં.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે. મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુ શાંતાબહેન નારણભાઇ પટેલનું 94 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. ત્યારે આજે સવારે તેમની અંતિમક્રિયા ગાંધીનગરમાં સેક્ટર 30ના સ્મશાનગૃહમાં કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રી સામેલ થયા હતા.
મુખ્યમંત્રીના પત્ની સ્વર્ગસ્થ શાંતાબહેનના એક માત્ર સંતાન છે, જેથી તેઓ વર્ષોથી તેમની સાથે રહેતા હતા. આજે સવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી પરિવારના ત્રીસ જેટલા સભ્યોની હાજરીમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી. ગાંધીનગરના સેક્ટર 30ના સ્મશાનગૃહે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.
એવું જણાવાઈ રહ્યું છે કે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમના પરિવાર સાથે રહેશે, પરિવારને સાંત્વના આપશે. જો કે આવતીકાલથી તેમના કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે. બી20 ઇન્સેપ્શન મિટીંગનો કાર્યક્રમ તેમના કાર્યાલય દ્વારા સંભાળવામાં આવ્યો હતો. આ બેઠકમાં ભાગ લેનાર તમામ વ્યક્તિને પહેલાં જ સીએમની ગેરહાજરી અને તેના કારણ અંગે જાણ કરી દેવામાં આવી હતી.

