નોકરી કરતા ઉમેદવારો પરીક્ષા છોડે તો અન્યને તક મળે: ડો. નિરવ પટેલ
GSSSB જાહેરાત ક્રમાંક 202627/378 (CCE) Group-B ની મુખ્ય પરીક્ષા માટે ‘Opt-out Form’ મંગાવી અન્ય લાયક ઉમેદવારોને તક આપવા ડો. નિરવ ભુલાભાઈ પટેલની મુખ્યમંત્રીશ્રીને રજૂઆત.
ડો.નિરવ ભુલાભાઈ પટેલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને આ દિશામાં યોગ્ય સૂચના આપી, પરીક્ષા ન આપવા માંગતા ઉમેદવારોનું સંમતિપત્રક મેળવી મેરિટ મુજબ અન્ય ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવાની તક આપવા ઘટતું કરવા માંગ કરી.
તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક 202627/378 (CCE) ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ અને કટ-ઓફ જાહેર કરવામાં આવેલ છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત રાજ્યના શિક્ષિત યુવાનોના હિતમાં સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય તથા GSSSB ના ચેરમેનશ્રીને ઈમેલ દ્વારા એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ રજૂઆત કરવામાં આવી છે.જેમાં હાલમાં જાહેર થયેલા કટ-ઓફ મુજબ Group-B ની મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોમાં એવા ઘણા ઉમેદવારો છે, જેઓ અગાઉની ભરતી પ્રક્રિયાઓમાં પસંદગી પામીને હાલમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં Group-B કે તેનાથી સમકક્ષ કે ઉચ્ચ પદ પર ફરજ બજાવી રહ્યા છે.આવા નોકરી કરી રહેલા ઉમેદવારો હવે આગામી મુખ્ય પરીક્ષા આપવા ઈચ્છુક નથી.જો મંડળ દ્વારા આવા ઉમેદવારો પાસેથી ઓનલાઇન સંમતિપત્રક / માંગણાપત્રક (Opt-out Form) મંગાવવામાં આવે, તો તેમની ખાલી પડતી જગ્યાઓ પર તે જ કેટેગરીમાં મેરિટમાં પાછળ રહેલા અંદાજે ૧૦૦ થી ૧૫૦ જેટલા નવા અને લાયક ઉમેદવારોને મુખ્ય પરીક્ષા (Mains) આપવાની અમૂલ્ય તક મળી શકે તેમ છે.આ પ્રકારની કાર્યવાહી કરવાથી મુખ્ય પરીક્ષાની બેઠકો વ્યર્થ જતી અટકશે અને મધ્યમવર્ગીય પરિવારોના મહેનતુ યુવાનોને સરકારી સેવામાં જોડાવાનું સપનું સાકાર કરવાની એક નવી તક પ્રાપ્ત થશે.
અહેવાલ યાસીર ગુડાલા દાહોદ
- Advertisement -
- Advertisement -