ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાંદોલ ગામની સીમમાં આવેલા નિલકંઠ મહાદેવના છાપરા વિસ્તારમાં દહેગામ પોલીસની સર્વેલન્સ ટીમે દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક રહેણાક મકાન અને નજીકમાં બની રહેલા નવા મકાનમાં તપાસ કરતાં જમીનમાં બનાવેલાં બે ગુપ્ત ભોંયરાં મળી આવ્યાં હતાં. આ બંને ભોંયરાંમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 9,752 બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹21,48,328નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે.
પોલીસની વિગતો અનુસાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટી અને દહેગામ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈનના માર્ગદર્શન હેઠળ દારૂ તથા જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ગોયલ અને હેડ કોન્સ્ટેબલ ભદ્રેશકુમાર જયંતિભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નિલકંઠ મહાદેવના છાપરા વિસ્તારમાં રહેતો ભુપેન્દ્ર ઉર્ફે અબ્દુલ મહેશજી ઠાકોર પોતાના રહેણાક મકાનમાં ભોંયરું બનાવી વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે.
આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ અને પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં આરોપી ભુપેન્દ્ર ઉર્ફે અબ્દુલ મહેશજી ઠાકોર ઘરે હાજર મળી આવ્યો નહોતો. મકાન ખુલ્લું હોવાથી કાયદેસરની પ્રક્રિયા મુજબ પંચોની હાજરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બેડરૂમમાં આવેલા કબાટના નીચેના ભાગે લાકડાની શીટ લગાવી નટ-બોલ્ટથી ફિટ કરવામાં આવી હોવાનું જણાયું હતું. તપાસ કરતાં લાકડાની શીટ નીચે ગુપ્ત ભોંયરું મળી આવ્યું હતું. જેમાં દારૂની કાગળનાં પૂંઠાંની પેટીઓ, છૂટી સીલબંધ બોટલો અને પ્લાસ્ટિકની થેલીઓમાં સંતાડેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
આટલું જ નહીં, આરોપીએ રહેણાક મકાન નજીક પોતાના ખેતરમાં નવા બની રહેલા મકાનના રસોડામાં પણ બીજું ભોંયરું બનાવ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસ ટીમે ત્યાં પણ તપાસ કરતાં રસોડાના ભાગે એક પથ્થર ફિટ કરેલો મળી આવ્યો હતો. પથ્થર હટાવી તપાસ કરતાં તેની નીચે પણ ગુપ્ત ભોંયરું મળી આવ્યું હતું. જેમાંથી પણ અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે બંને સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કાચની અને પ્લાસ્ટિકની બોટલો તેમજ બીયરના પતરાના ટીન મળી કુલ 9,752 નંગનો ₹21,48,328ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ભુપેન્દ્ર ઉર્ફે અબ્દુલ મહેશજી ઠાકોર વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી: ભુપેન્દ્ર ઉર્ફે અબ્દુલ મહેશજી ઠાકોર, રહે. નિલકંઠ મહાદેવના છાપરા, નાંદોલ ગામની સીમ, તા. દહેગામ, જી. ગાંધીનગર.
નોંધાયેલ ગુનો: દહેગામ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11216005261034/2026, પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E) અને 116(B) મુજબ.
જપ્ત કરાયેલ મુદ્દામાલ: વિદેશી દારૂની નાની-મોટી કાચની તથા પ્લાસ્ટિકની બોટલો અને બીયરના ટીન મળી કુલ 9,752 નંગ, કિંમત ₹21,48,328.
આ કામગીરીમાં જોડાયેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ:
– આર.એલ. ગોયલ – પોલીસ ઇન્સ્પેક્ટર
– યુ.એચ. મકવાણા – પોલીસ સબ ઇન્સ્પેક્ટર
– ભદ્રેશકુમાર જયંતિભાઈ – હેડ કોન્સ્ટેબલ, બકલ નં. 1163
– ભરતકુમાર મણીલાલ – એ.એસ.આઈ., બકલ નં. 731
– વિજયસિંહ તીતસિંહ – હેડ કોન્સ્ટેબલ, બકલ નં. 1185
– મહેશ સાગરભાઈ – પોલીસ કોન્સ્ટેબલ, બકલ નં. 1877
– વિક્રમભાઈ કમશીભાઈ – પોલીસ કોન્સ્ટેબલ, બકલ નં. 375
– રણજીતસિંહ ભીખુસિંહ – પોલીસ કોન્સ્ટેબલ, બકલ નં. 1340
– ચિરાગકુમાર રમેશભાઈ – આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, બકલ નં. 140
– ચિરાગકુમાર અમૃતભાઈ – પોલીસ કોન્સ્ટેબલ, બકલ નં. 171
દહેગામ પોલીસની આ કાર્યવાહીમાં રહેણાક મકાનના બેડરૂમથી લઈને નવા મકાનના રસોડા સુધી બનાવવામાં આવેલા બે ગુપ્ત ભોંયરાંનો પર્દાફાશ થતાં વિસ્તારમાં ચર્ચા જાગી છે.