જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ગુમ થયેલા બે SPOના મૃતદેહ મળી આવ્યા, ગોળી મારી હત્યા કરાઈ હોવાની આશંકા
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાંથી અચાનક ગુમ થયેલા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO)ના મૃતદેહ મળી આવ્યા છે. મારવાહના દેહરના જંગલ વિસ્તારમાં ગોળીબારનો અવાજ સંભળાયા બાદ બંને જવાનો ગુમ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેના મૃતદેહ પર ગોળી વાગ્યાનાં નિશાન મળી આવ્યાં છે. મૃતક જવાનોની ઓળખ ઋષિપાલ અને બોબી ચંદ તરીકે થઈ છે. બંને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)નો ભાગ હતા.
સેનાની ચોકી પર પહોંચે તે પહેલાં જ ગુમ થયા હતા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને SPO કિયાર કેમ્પથી ઢારના-મારવાહ સ્થિત સેનાની ચોકી તરફ જઈ રહ્યા હતા. તેઓ અપર રિજ દેહરના ઇન્દ્રવન વિસ્તારમાં બસનાન ખાતે તૈનાત સેનાની 17 રાષ્ટ્રીય રાઇફલ્સની ટીમને રિલીવ કરવા નીકળ્યા હતા, પરંતુ નિર્ધારિત સ્થળે પહોંચ્યા નહોતા.
શરૂઆતમાં બંનેના મોબાઇલ ફોન પર સંપર્ક થઈ રહ્યો હતો, પરંતુ બાદમાં ફોન બંધ થઈ જતાં તેમની સુરક્ષાને લઈને ચિંતા વધી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ શોધખોળ હાથ ધરી હતી.
સર્વિસ હથિયારો પણ ગાયબ, આતંકી કનેક્શનની આશંકા
બંને જવાનોના મૃતદેહ મળી આવ્યા બાદ તપાસમાં એક મહત્વની બાબત સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને પોલીસકર્મીઓનાં સર્વિસ હથિયારો પણ મળી આવ્યાં નથી. આથી આ ઘટનામાં આતંકવાદીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દુર્ગમ પહાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
બંને જવાનો ગુમ થયાની જાણ થતાં જ પોલીસ અને સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા સંયુક્ત રીતે વ્યાપક શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. દુર્ગમ પહાડી અને જંગલ વિસ્તારોમાં સુરક્ષા દળોની અલગ-અલગ ટીમો તૈનાત કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
જવાનોની હત્યાથી સુરક્ષા વ્યવસ્થા સામે ચિંતા
કિશ્તવાડ જિલ્લામાં બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ જ આ ઘટનામાં આતંકવાદીઓની સંડોવણી અંગે સ્પષ્ટતા થઈ શકશે. નોંધનીય છે કે તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF કેમ્પ પર પણ હુમલો થયો હતો, જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ નાકા પર તૈનાત સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યો હોવાનું CRPF દ્વારા જણાવાયું હતું.
- Advertisement -
- Advertisement -