અભિનેતા ડિનો મોરિયાની ધરપકડ, મીઠી નદી કથિત કૌભાંડ મામલે EOWની કાર્યવાહી
મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ શુક્રવારે મીઠી નદીની સફાઈ અને ગાદ (ડીસિલ્ટિંગ)ના કામમાં કથિત ગેરરીતિના કેસમાં અભિનેતા ડિનો મોરિયાની બીજી વખત પૂછપરછ કરી હતી. આ મામલે તેઓ મુંબઈ પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા.
ડિનો મોરિયા અને તેમના ભાઈ સેન્ટિનો રોક્કો મોરિયાની મે 2025માં પણ આ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન કેટલાક એવા ફોન રેકોર્ડ મળ્યા હતા, જેમાં ડિનો મોરિયાનો આ કેસ સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે સંપર્ક હોવાનું સામે આવ્યું હતું. આ આધારે તેમને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
પોલીસ કયા મુદ્દાઓની તપાસ કરી રહી છે?
પોલીસના જણાવ્યા અનુસાર, બંને ભાઈઓ અને આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી કેતન કદમની પત્ની પુનિતા કદમ એક ખાનગી કંપની યુબીઓ રાઇડ્ઝ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર હતા.
તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે કદમ પરિવાર અને સેન્ટિનો રોક્કો મોરિયા વચ્ચે કયા પ્રકારના નાણાકીય વ્યવહારો થયા હતા તેમજ કેતન કદમની કંપનીને મીઠી નદીના ડીસિલ્ટિંગના કોન્ટ્રાક્ટ કેવી રીતે મળ્યા હતા.
કેતન કદમની 7 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ સહિત કુલ 13 લોકો પર ડીસિલ્ટિંગ પ્રોજેક્ટમાં BMCને અંદાજે ₹65.54 કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. આ કેસમાં કથિત ગેરરીતિ, ટેન્ડરની રકમ વધારી દર્શાવવી અને ભ્રષ્ટાચાર જેવા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.
EOWએ મુંબઈની ઔદ્યોગિક ઉત્પાદનો બનાવતી કંપની સાથે જોડાયેલા જયેશ જોશીની પણ ધરપકડ કરી છે.
ડીસિલ્ટિંગ પ્રોજેક્ટમાં શું થયું?
EOWના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2020માં BMCના કેટલાક અધિકારીઓ ડીસિલ્ટિંગ માટેના સાધનો ખરીદવા એક કંપનીની મુલાકાત લેવા કોચી ગયા હતા. ત્યારબાદ મીઠી નદીમાંથી ગાદ કાઢવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.
ટેન્ડરમાં એવી જોગવાઈ હતી કે BMC કોન્ટ્રાક્ટરોને નદીમાંથી કાઢવામાં આવેલી ગાદના જથ્થાના આધારે ચૂકવણી કરશે.
પોલીસના જણાવ્યા મુજબ, જ્યારે કોન્ટ્રાક્ટરો સાધનો અંગે કંપની પાસે ગયા ત્યારે તેમને જયેશ જોશી અને કેતન કદમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. આરોપ છે કે બંનેએ કંપની સાથે મળીને સાધનો વેચવાને બદલે ખૂબ ઊંચા ભાડાના દરે ઉપલબ્ધ કરાવ્યા હતા.
ગાદનો જથ્થો વધારી બતાવ્યાનો આરોપ
મુંબઈની આશરે 17.84 કિલોમીટર લાંબી મીઠી નદીમાંથી ગાદ કાઢવાના કામમાં ગેરરીતિના આરોપો બાદ EOWએ વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી.
EOW અધિકારીઓના જણાવ્યા અનુસાર, નદીમાંથી કાઢવામાં આવનારી ગાદનો જથ્થો વધુ દર્શાવવા માટે સરકારી રેકોર્ડમાં કથિત રીતે હેરફેર કરવામાં આવી હતી. તેના કારણે કોન્ટ્રાક્ટરોને વધુ જથ્થા પ્રમાણે વધુ ચુકવણી મળવાનો લાભ થયો હોવાનો આરોપ છે.
- Advertisement -
- Advertisement -