DGP કચેરીના ‘જનસંપર્ક કાર્યાલય’ થકી પ્રજાના પ્રશ્નોનું ત્વરિત અને પરિણામલક્ષી નિરાકરણ: 8 મહિનામાં 310 રજૂઆતો સાંભળી, 28 ગંભીર બાબતોમાં તાત્કાલિક FIR નોંધાઈ
કચ્છ, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના છેવાડાના અરજદારો માટે ન્યાયનું કિરણ બન્યું ‘જનસંપર્ક કાર્યાલય’: નાગરિકો તરફથી મળ્યો ‘Excellent’ પ્રતિસાદ
સાચા અરજદારોને તાત્કાલિક ન્યાય, ખોટી રજૂઆત કરનારા સામે પણ કાયદેસર પગલાં
ખોટી અને બદઈરાદાપૂર્વક રજૂઆત કરનારા 8 અરજદારો સામે કાયદેસર કાર્યવાહી કરી
રાજ્યના છેવાડાના માનવીને ત્વરિત, પારદર્શક અને સંવેદનાસભર ન્યાય મળે તેવા સંકલ્પ સાથે પોલીસ ભવન, ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવેલું ‘જનસંપર્ક કાર્યાલય’ આજે રાજ્યના સામાન્ય નાગરિકો માટે અત્યંત વિશ્વાસપાત્ર સેતુ બની ગયું છે.

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક તથા લૉ એન્ડ ઓર્ડર ડીજીપી રાજકુમાર પાંડિયનના સીધા માર્ગદર્શન અને ઉચ્ચસ્તરીય મોનિટરિંગ હેઠળ આ કાર્યાલય દ્વારા નાગરિકોની રજૂઆતોનું સમયબદ્ધ અને પરિણામલક્ષી નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. તા. 04 ફેબ્રુઆરી 2026થી કાર્યરત આ કાર્યાલય પ્રત્યે લોકોનો વિશ્વાસ એટલી હદે વધ્યો છે કે માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર રાજ્યમાંથી 310 જેટલા અરજદારોએ રૂબરૂ મુલાકાત લઈને પોતાની રજૂઆતો નોંધાવી છે.
કોઈ નાગરિક કચ્છ કે સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાંથી લાંબી મુસાફરી કરીને આવતું હોય કે પછી દક્ષિણ ગુજરાતના છેવાડાના આદિવાસી ગામોમાંથી, ગાંધીનગર પોલીસ ભવન પહોંચતા જ દરેક અરજદારને પૂરા સન્માન, ધીરજ અને સંવેદનશીલતાથી સાંભળવામાં આવે છે. કોઈ પણ નાગરિક સાથે અન્યાય ન થાય તે માટે પૂર્ણ તકેદારી રાખીને સમર્પિત ટીમ દ્વારા તેમની અરજીઓ સ્વીકારવામાં આવે છે. આ ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી પલક પટેલ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. બારડ તથા એમ.જે. પટેલ, હેડ કોન્સ્ટેબલ મણિલાલ વણગઈ અને પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. આ ટીમ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ અરજી નોંધણી કરીને સંબંધિત શહેર કે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તુરંત ટેલિફોનિક સંકલન સાધી જરૂરી સૂચનાઓ આપે છે.
જનસંપર્ક કાર્યાલયમાં આવેલી અરજીઓને માત્ર ફોરવર્ડ કરવાને બદલે તથ્યો અને પુરાવાઓના આધારે ગુણદોષ ચકાસી કાયદેસર પગલાં સુનિશ્ચિત કરવામાં આવે છે. જે અંતર્ગત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગંભીર અને તથ્યપૂર્ણ જણાયેલી બાબતોમાં સંબંધિત પોલીસ સ્ટેશનો મારફતે તુરંત ૨૮ FIR દાખલ કરાવાયા છે. એટલું જ નહીં, અરજી મોકલ્યા બાદ પ્રક્રિયા ક્યાં પહોંચી તે સુનિશ્ચિત કરવા આશરે 67 જેટલી અરજીઓમાં ઉચ્ચ સ્તરેથી ‘Progress Report’ મંગાવી સતત એન્ડ-ટુ-એન્ડ ફોલોઅપ લેવાયું છે. બીજી તરફ પારદર્શિતા અને ન્યાયપૂર્ણ વ્યવસ્થા જળવાય તે માટે તપાસ દરમિયાન બદઈરાદાપૂર્વક કે ખોટી રજૂઆત કરનારા 8 અરજદારો સામે નિયમોનુસાર કાયદેસર પગલાં પણ લેવામાં આવ્યા છે.
કાર્યાલયની મુલાકાતે આવતા દરેક નાગરિક પાસેથી પારદર્શક રીતે ‘Feedback Form’ ભરાવવામાં આવે છે. પોલીસ સ્ટાફનું નમ્ર વર્તન, સાંભળવાની પદ્ધતિ, ત્વરિત કાર્યવાહી અને યોગ્ય માર્ગદર્શનના આધારે મુલાકાત લેનાર નાગરિકો તરફથી કાર્યાલયની કામગીરીને એકમતે “Excellent” રેટિંગ આપવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ પ્રજા સાથે સુમેળ સાધીને સંપૂર્ણ સંવેદનશીલતા, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક ન્યાય અપાવવા કટિબદ્ધ છે અને DGP Officeનું જનસંપર્ક કાર્યાલય આ દિશામાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
- Advertisement -
- Advertisement -