27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

દહેગામના રાજમાર્ગો પર તપસ્વીઓનો ભવ્ય વરઘોડો,જૈન સમાજના તપસ્વીઓનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત


દહેગામ -પત્રકાર હરેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા 

દહેગામના રાજમાર્ગો પર તપસ્વીઓનો ભવ્ય વરઘોડો

જૈન સમાજના તપસ્વીઓનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત, યુવક-યુવતીઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી; જૈન શાસનના નાદથી ગુંજી ઉઠ્યું દહેગામ

દહેગામ નગરની ધરા પર આજે જૈન સમાજ દ્વારા વિવિધ પ્રકારની કઠિન તપસ્યા કરનાર તપસ્વીઓની અનુમોદના નિમિત્તે ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન સમાજની પ્રાચીન પરંપરા મુજબ યોજાયેલા આ વરઘોડામાં નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જૈન સમાજ સાથે જૈનેતર સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તપસ્વીઓના દર્શન કરી તેમની તપસ્યાની અનુમોદના કરી હતી.

દહેગામમાં 7 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના અબાલ-વૃદ્ધ તપસ્વીઓએ 8 દિવસ, 11 દિવસ, 16 દિવસથી લઈને 45 ઉપવાસ સુધીની વિવિધ કઠિન તપસ્યાઓ કરી હતી. જૈન ધર્મની પરંપરા મુજબ ઉપવાસ દરમિયાન તપસ્વીઓ દ્વારા દિવસ દરમિયાન માત્ર ઉકાળેલું પાણી લેવામાં આવે છે, જ્યારે સૂર્યાસ્ત બાદ પાણીનો પણ ત્યાગ કરવામાં આવે છે. આવી કઠિન તપસ્યા પૂર્ણ કરનાર તપસ્વીઓની અનુમોદના અને તેમનો ઉત્સાહ વધારવા માટે દર વર્ષે જૈન સમાજ દ્વારા ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ બેન્ડવાજા, બગી, ઘોડા તેમજ વિવિધ વાહનો સાથે તપસ્વીઓનો વિશાળ કાફલો દહેગામના રાજમાર્ગો પર નીકળ્યો હતો. વરઘોડો જ્યાંથી પસાર થયો ત્યાં લોકો દ્વારા તપસ્વીઓના દર્શન કરવામાં આવ્યા હતા અને સમગ્ર માર્ગ પર ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.

વરઘોડો દહેગામ બરોટવાડા વિસ્તારમાં પહોંચતા જ ત્યાં તપસ્વીઓનું ધામધૂમપૂર્વક ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંયા પાલીતાણાના પૂજ્ય મહારાજ સાહેબનું મોસાળું પણ કહેવાય છે.જેના કારણે આ સ્થળે જૈન સમાજમાં વિશેષ ધાર્મિક લાગણી જોવા મળી હતી. અને અહીં. જૈન મંડળના યુવાનો અને યુવતીઓ દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે યુવક-યુવતીઓએ ગરબે રમી તપસ્વીઓની અનુમોદના કરી હતી.

હાલમાં ગણેશ ચતુર્થીનો પર્વ પણ વિવિધ સ્થળોએ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો હોવાથી બારોટ વાડા વિસ્તારમાં અનોખો ધાર્મિક માહોલ સર્જાયો હતો. એક તરફ તપસ્વીઓનો ભવ્ય વરઘોડો અને બીજી તરફ રાસ-ગરબાની રમઝટથી સમગ્ર વિસ્તાર ઉત્સવમય બન્યો હતો . આ પ્રસંગે જય શાસન, તપસ્વીઓ તથા ગણેશજીના જયજયકારના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

તપસ્વીઓનો વરઘોડો નગરના વિવિધ રાજમાર્ગો પરથી પરિભ્રમણ કરી અંતે દહેગામના દહેરાસર પહોંચ્યો હતો. રસ્તામાં અનેક સ્થળોએ નગરજનો દ્વારા તપસ્વીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો વરઘોડામાં જોડાયા હતા અને તપસ્વીઓના દર્શન કરી તેમની તપસ્યાની અનુમોદના કરી હતી.

ઉલ્લેખનીય છે કે દહેગામમાં આચાર્ય શ્રી મૃદુરત્ન સાગર સુરીશ્વરજી મ.સા.નું ત્રીજું ચાતુર્માસ ચાલી રહ્યું છે. ચાતુર્માસ દરમિયાન જૈન સમાજમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, આરાધના અને તપસ્યાનો માહોલ જોવા મળી રહ્યો છે. તપસ્વીઓ દ્વારા કરવામાં આવેલી કઠિન તપસ્યાના અનુમોદના પ્રસંગે યોજાયેલા આ ભવ્ય વરઘોડાએ દહેગામમાં ધાર્મિક અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો.

વરઘોડા બાદ જૈન સમાજ હોલ ખાતે સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકોએ ઉપસ્થિત રહી પ્રસાદનો લાભ લીધો હતો.

આમ, બેન્ડવાજા અને ઘોડા-બગી સાથેનો ભવ્ય વરઘોડો, ઠેર-ઠેર થયેલા સ્વાગત, રાસ-ગરબાની રમઝટ અને જયજયકારના નાદ વચ્ચે આજે દહેગામના રાજમાર્ગો પર તપસ્યા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં નગરજનોએ તપસ્વીઓના દર્શન કરી તેમની તપસ્યાની અનુમોદના કરી પોતાને ધન્ય માન્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -