ગાંધીનગર: દહેગામના છોગાળી ગામ પાસેથી ₹82,050/- ના વિદેશી દારૂ અને બિયર સાથે એક શખ્સ ઝડપાયો
ગાંધીનગરના દહેગામ પંથકમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે છોગાળી ગામના બસ સ્ટેન્ડ પાછળના નાળામાંથી દરોડો પાડીને રૂપિયા 82,050 ની કિંમતનો પ્રતિબંધિત મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
દહેગામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.એન. દેસાઈને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે દેવકરણના મુવાડા ગામે રહેતો ગણેશ પોપટજી ઠાકોર નામનો યુવાન છોગાળી ગામના બસ સ્ટેન્ડ પાછળ પ્લાસ્ટિકની થેલીઓમાં વિદેશી દારૂ અને બીયર સંતાડીને બેઠો છે. આ બાતમીના આધારે સર્વેલન્સ સ્કોડના વિજયસિંહ તીતસિંહ ખાંટ તથા અન્ય સ્ટાફે પંચોને સાથે રાખીને તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરી હતી.
પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો અને મોબાઈલની લાઈટના અજવાળે તપાસ કરતા ત્યાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી દહેગામ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં લાવીને પંચોની હાજરીમાં વિગતવાર ગણતરી કરી હતી.
જપ્ત કરાયેલા જથ્થામાં ‘ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી’ લખેલી આરજે ગ્રીન સ્પેશિયલ વ્હીસ્કીની 140 બોટલ, વિન્ટેજ ઓરેંજ વોડકાની 48 બોટલ અને ઓલ સીઝન્સ ગોલ્ડન કલેક્શન વ્હીસ્કીની 46 બોટલ મળી આવી હતી. આ ઉપરાંત કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના 70 ટીન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જે તમામની કુલ કિંમત રૂપિયા 82,050 થાય છે.
આ સફળ રેઈડ અને કાનૂની કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ અ.હેડકો વિજયસિંહ તીતસિંહ ખાંટ, કિરણસિંહ વિક્રમસિંહ, આપોકો ચિરાગકુમાર રમેશભાઈ, ઓપોકો વિક્રમભાઈ કમશીભાઈ તથા અલોર મહેશજી ગલાબજી સક્રિયપણે જોડાયા હતા. પોલીસે આ તમામ મુદ્દામાલમાંથી જરૂરી નમૂનાઓ (સેમ્પલ) લઈને બાકીનો જથ્થો સુરક્ષિત રીતે જપ્ત કર્યો છે અને આરોપી સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરી છે.
- Advertisement -
- Advertisement -