ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના આહ્વાન હેઠળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામસેવકોએ સરકાર સામે આક્રમક મિજાજ અખત્યાર કર્યો છે. લાંબા સમયથી પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ ફરજ પર હાજર રહીને હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. અગાઉ આપેલા સાત દિવસના અલ્ટીમેટમ છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક પ્રત્યુત્તર આપવામાં ન આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

હાલ રાજ્યમાં 8 થી 10 ગામ દીઠ માત્ર એક જ ગ્રામસેવક ફરજ બજાવી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને પૂરતું માર્ગદર્શન મળવામાં ભારે મુશ્કેલીઓ સર્જાય છે. ખેડૂતોના ઉત્કર્ષની વાતો કરતી સરકારે ખેડૂત હિતને ધ્યાનમાં રાખીને 1 થી 2 ગામ વચ્ચે 1 ગ્રામસેવકની જગ્યા ઊભી થાય તે રીતે નવા સેજાઓનું પુનઃગઠન કરવું અનિવાર્ય છે.
ગ્રામસેવકોની મુખ્ય માંગણીઓમાં અન્ય સંવર્ગો જેવા કે રેવન્યુ તલાટી અને ખેતી મદદનીશના જોબચાર્ટની કામગીરીનું દબાણ બંધ કરવાની સાથે સ્પષ્ટ અને ન્યાયી જોબચાર્ટ જાહેર કરવાની માંગ છે. આ ઉપરાંત, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં 4200નો ગ્રેડ-પે પુનઃસ્થાપિત કરવો, બંધ થયેલી પ્રમોશનની તકો શરૂ કરવી અને ગ્રામસેવક સંવર્ગને પંચાયત વિભાગમાંથી કૃષિ વિભાગના વહીવટી માળખા હેઠળ સમાવેશ કરવાની મુખ્ય માંગણીઓ છે.
વર્તમાન ડિજિટલ યુગમાં ઓનલાઈન કામગીરી કરવા માટે કર્મચારીઓને સ્માર્ટફોન, કમ્પ્યુટર, ઈન્ટરનેટ સુવિધા કે એલાઉન્સ પૂરું પાડવું તેમજ મુસાફરી ભથ્થામાં વધારો કરવો જરૂરી બન્યો છે. વહીવટી પારદર્શિતા લાવવા માટે રજૂઆતોનો લેખિત પ્રત્યુત્તર આપવાની પદ્ધતિ પણ શરૂ કરવી જોઈએ તેવી કર્મચારીઓની પ્રબળ ઈચ્છા છે.
આ આંદોલનને તબક્કાવાર આગળ વધારવા માટે મહામંડળ દ્વારા આગામી દિવસોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.જેમાં 9 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરી, 14 સપ્ટેમ્બરે સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થવું અને 21 સપ્ટેમ્બરે ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો કાર્યક્રમ નક્કી કરાયો છે.
આગામી સમયમાં 25 સપ્ટેમ્બરે પેન ડાઉન, 1 ઓક્ટોબરે માસ સીએલ અને 2 ઓક્ટોબર ગાંધી જયંતીના રોજ જો માંગણીઓ નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી ગ્રામસેવકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.