ઘેટાં-બકરાં ચરાવતા 26 વર્ષીય યુવકને સાપે ડંખ માર્યો, બનાસ જનરલ હોસ્પિટલમાં 20 દિવસની સારવાર બાદ મળ્યું નવજીવન
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખાપરા ગામના 26 વર્ષીય ખરાડી મણાભાઈ પોતાના ગામની સીમમાં વહેલી સવારે ઘેટાં-બકરાં ચરાવી રહ્યા હતા. તે દરમિયાન પગમાં ઝેરી સાપે ડંખ મારતાં તેઓ ઘરે પહોંચ્યા અને પરિવારજનોને જાણ કરી હતી.
પરિવારજનો મણાભાઈને ખાનગી વાહન મારફતે વિરમપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા.
ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે દર્દીને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. તબીબી ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી તેમને દાખલ કર્યા હતા.
દર્દીની સ્થિતિ અને લક્ષણોને જોતા સૉ-સ્કેલ્ડ વાઇપર (Echis carinatus)ના દંશની શંકા સાથે ગંભીર રક્તવિષાક્તતાની સ્થિતિ જોવા મળી હતી. દર્દીના ડાબા પગમાં ભારે દુખાવો અને સોજો હતો, પેશાબમાં લોહી આવતું હતું તેમજ રક્તસ્રાવ પણ થઈ રહ્યો હતો.
તપાસમાં દર્દીનું હિમોગ્લોબિન 4.7 ગ્રામ પ્રતિ ડેસિલિટર, પ્લેટલેટ 79,000 અને રક્ત જમવાની તપાસમાં PT 150 સેકન્ડથી વધુ તથા APTT 180 સેકન્ડથી વધુ નોંધાયું હતું. દર્દીની સ્થિતિ ગંભીર હોવાથી તબીબી ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.
દર્દીને 40 વાયલ એન્ટી-સ્નેક વેનોમ (ASV) આપવામાં આવ્યા હતા. ઉપરાંત, રક્તની ઉણપ પૂરી કરવા માટે 6 યુનિટ પેક્ડ રેડ બ્લડ સેલ્સ (PRBC) અને રક્ત જમવાની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે 20 યુનિટ ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા (FFP) આપવામાં આવ્યા હતા.
દર્દીને આશરે 20 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર અને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન હિમોગ્લોબિન, પ્લેટલેટ, રક્ત જમવાની પ્રક્રિયા અને રક્તસ્રાવની સ્થિતિનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સમયસર સારવાર મળતાં દર્દીની તબિયતમાં ધીમે ધીમે સુધારો થયો હતો. રક્તસ્રાવ બંધ થયો અને રક્ત જમવાની પ્રક્રિયામાં પણ સુધારો થતાં દર્દીની સ્થિતિ સ્થિર થઈ હતી. ત્યારબાદ જરૂરી સલાહ સાથે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ કેસમાં સમયસર હોસ્પિટલ પહોંચાડવા, એન્ટી-સ્નેક વેનોમ આપવા તથા જરૂરી રક્તઘટકોની સારવારથી દર્દીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
આ સમગ્ર સારવાર મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ ડૉ. બ્રિજેશ ચૌહાણ, ઇમરજન્સી વિભાગની ટીમ તથા જનરલ મેડિસિન વિભાગના ડૉ. પ્રદીપ પટેલ અને ડૉ. અનિલ ચૌધરી સહિતની તબીબી ટીમ દ્વારા કરવામાં આવી હતી.
બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ, પાલનપુર દ્વારા સાપદંશ જેવી ગંભીર પરિસ્થિતિમાં સમયસર અને જરૂરી તબીબી સારવાર પૂરી પાડીને દર્દીને નવજીવન આપવામાં આવ્યું છે.
અહેવાલ : મહેશ ચૌધરી, પાલનપુર
- Advertisement -
- Advertisement -