ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી મળવાના મામલે ઉચ્ચ કક્ષાની તપાસ ગાંધીનગરથી આવેલી ટીમે ટચ ધ લાઈટ શાળામાં તપાસ શરૂ કરી, સરકારી-અર્ધસરકારી કર્મચારીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં
ફતેપુરા ખાતે આવેલી ‘ટચ ધ લાઈટ’ ખાનગી શાળામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક કીટ અને સાહિત્યનો મોટો જથ્થો મળી આવવાના મામલે હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગાંધીનગરથી આવેલી ઉચ્ચ કક્ષાની ટીમે ફતેપુરા ખાતે પહોંચી ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે.

પ્રાદેશિક કમિશનર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપાધ્યક્ષ અનિલભાઈ રાદડિયા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારીઆ સહિતની ટીમ દ્વારા ખાનગી શાળામાં મળેલી શૈક્ષણિક સામગ્રી, જથ્થો અને તેની ઉપલબ્ધતા અંગે વિગતો મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
‘ટચ ધ લાઈટ’ ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ માટેની સરકારી શૈક્ષણિક કીટ અને વિવિધ સાહિત્ય મોટા પ્રમાણમાં મળી આવ્યા હોવાના મામલે સૌથી મોટો સવાલ એ છે કે સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવતી સામગ્રી ખાનગી શાળા સુધી કેવી રીતે પહોંચી?
આ સામગ્રી કઈ શાળાને ફાળવવામાં આવી હતી, કયા અધિકારી અથવા કર્મચારી મારફતે તેનો જથ્થો પહોંચ્યો અને તેનો ખાનગી શાળામાં ઉપયોગ થયો કે કેમ તે સહિતના મુદ્દાઓ તપાસના કેન્દ્રમાં છે.
આ મામલાની તપાસ દરમિયાન ખાનગી શાળાના કેટલાક ટ્રસ્ટીઓ સરકારી તથા અર્ધસરકારી સંસ્થાઓમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. જેના પગલે સંબંધિત કર્મચારીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવી છે.
સીઆરસી સાલરા ખાતે ફરજ બજાવતા પૂર્વીબેન ઉપાધ્યાય આ ખાનગી શાળાના ટ્રસ્ટી હોવાનું સામે આવ્યા બાદ તેમને CRC કો-ઓર્ડિનેટર તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત કમલ વિદ્યાલય, ભોજેલાના આચાર્ય તથા દાહોદ આચાર્ય સંઘના મહામંત્રી અલ્પેશ પ્રજાપતિ પણ આ ખાનગી શાળાના ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે.
તે જ રીતે, ડીઈઓ કચેરીમાં સ્પેશિયલ ટીચર તરીકે ફરજ બજાવતા ભારતભાઈ પંચાલ પણ શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી હોવાનું સામે આવ્યું છે.
હવે તપાસ ટીમ દ્વારા સરકારી શૈક્ષણિક સામગ્રીનો મૂળ સ્ત્રોત, ફાળવણીનો રેકોર્ડ, સ્ટોક રજિસ્ટર, વિતરણની વિગતો તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.
સરકારી સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી અને તેમાં કોઈ અધિકારી, કર્મચારી કે અન્ય વ્યક્તિની બેદરકારી અથવા સંડોવણી રહી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારી નક્કી કરવામાં આવશે. જો તપાસમાં કોઈ સરકારી કે અર્ધસરકારી કર્મચારીની બેદરકારી, ગેરરીતિ અથવા સંડોવણી સાબિત થશે તો સંબંધિત વ્યક્તિ સામે નિયમ મુજબ ખાતાકીય તેમજ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
હાલ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. તપાસનો અંતિમ અહેવાલ આવ્યા બાદ જ સરકારી શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળા સુધી પહોંચવાના સમગ્ર પ્રકરણમાં કોની ભૂમિકા હતી અને જવાબદારી કોની છે તે સ્પષ્ટ થશે.
અહેવાલ : કિશોર પણદા, ફતેપુરા
- Advertisement -
- Advertisement -