ગાંધીનગરમાં 80માં સ્વતંત્રતા પર્વની તાલુકાકક્ષાની ઉત્સાહભેર ઉજવણી: મામલતદાર શ્રી એમ. ડી. ગોહેલના હસ્તે ધ્વજવંદન સંપન્ન
ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે આજે 80માં સ્વતંત્રતા પર્વની તાલુકાકક્ષાની હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ગાંધીનગરના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ શ્રી એમ. ડી. ગોહેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચન આપતા ગાંધીનગરના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ શ્રી એમ. ડી. ગોહેલે જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ એ દેશની આન, બાન, શાન અને આત્મચિંતનનું પર્વ છે. આજનો દિવસ આનંદ અને ઉત્સવ મનાવવાની સાથે દેશના અમૂલ્ય ભૂતકાળના બલિદાનોને યાદ કરીને ઉજ્જવળ ભવિષ્ય તરફ ડગ માંડવા માટે આત્મમંથન કરવાનો અવસર છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્ષ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈને 1947 દરમિયાન દીર્ઘ સંઘર્ષમાં હજારો વીર સપૂતોએ પરિવારનો ત્યાગ કરીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. જલિયાંવાલા બાગ હત્યાકાંડ, બારડોલી સત્યાગ્રહ અને દાંડીકૂચ જેવી ઐતિહાસિક ઘટનાઓની સાથે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિત શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ અને અશફાકુલ્લાહ ખાન જેવા અગણિત ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રપુરુષોના અમૂલ્ય યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક યાદ રાખવું એ આપણા સૌની નૈતિક ફરજ છે.
ભારતીય સંસ્કૃતિના ઉમદા મૂલ્યોને ઉજાગર કરતાં મામલતદારશ્રીએ જણાવ્યું હતું કે, ભારત એ પવિત્ર ભૂમિ છે જેણે સમગ્ર વિશ્વને યુદ્ધ નહીં પણ ‘બુદ્ધ’નો શાંતિ સંદેશ અને ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના આપી છે. ૧૯મી સદી બ્રિટનની અને ૨૦મી સદી અમેરિકાની રહી હશે, પરંતુ ૨૧મી સદી નિશ્ચિતપણે ભારતની જ છે. આજે આપણો દેશ શિક્ષણ, કૃષિ, સાહિત્ય તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા દરેક ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ સાધી રહ્યો છે. IIT, IIM, ISRO, PRL જેવી વૈશ્વિક સ્તરની સંસ્થાઓ થકી ભારતે સમગ્ર વિશ્વમાં પોતાની બૌદ્ધિક ક્ષમતા પુરવાર કરી છે. આજે Google, Microsoft અને Adobe જેવી અગ્રણી વૈશ્વિક કંપનીઓનું નેતૃત્વ ભારતીય પ્રતિભાઓ કરી રહી છે, જે સમગ્ર રાષ્ટ્ર માટે અત્યંત ગૌરવની વાત છે.
વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરતાં મામલતદાર શ્રી ગોહેલે જણાવ્યું હતું કે, આજે સંરક્ષણ ક્ષેત્રે બ્રહ્મોસ મિસાઇલ, આધુનિક રડાર પ્રણાલી અને લડાકુ વિમાનોના સ્વદેશી નિર્માણ સાથે ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યું છે. આપણે અહિંસા અને શાંતિના પૂજારી હોવા છતાં, દેશની રક્ષા માટે દુશ્મનોને જડબાતોડ જવાબ આપવાનું સંપૂર્ણ સામર્થ્ય પણ ધરાવીએ છીએ. ભારતે વૈશ્વિક સંકટ સમયે રસી પૂરી પાડીને ‘વસુધૈવ કુટુંબકમ્’ અને વિશ્વ શાંતિની ઉદાત્ત ભાવના ચરિતાર્થ કરી છે.
તેમણે સિયાચીન જેવા ગ્લેશિયર્સની હાડ થીજવતી કાતિલ ઠંડીથી લઈને રાજસ્થાનના ધગધગતા રણમાં અવિરત દેશની રક્ષા કરતા સરહદના વીર જવાનોના અપ્રતિમ સાહસ અને ત્યાગને બિરદાવી, તેમના દીર્ઘાયુષ્ય તેમજ સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં, દેશની એકતા અને અખંડિતતાને અકબંધ રાખવાની સાથે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને પૂર્ણપણે ‘વિકસિત રાષ્ટ્ર’ બનાવવા માટે પ્રત્યેક નાગરિક રાષ્ટ્રનિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપે અને આત્મચિંતન કરે તેવી તેમણે હૃદયપૂર્વક અપીલ કરી હતી.
આ પાવન પ્રસંગે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી છલકાતા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા, જ્યારે પોલીસ દળના જવાનોએ શાનદાર અને શિસ્તબદ્ધ પરેડ યોજી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નગરજનોએ એકસાથે સુર પુરાવી ગૌરવભેર રાષ્ટ્રગાનનું ગાન કર્યું હતું. કાર્યક્રમના સમાપને ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ તેમજ હરિયાળીનો ઉમદા સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
આ દેશભક્તિસભર સમારોહમાં નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી.એસ.ગઢવી અને શ્રી એસ.જે.હૈદર, નાયબ મામલતદાર શ્રી જય જોશી, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સહિત વડીલો, નાગરિકો તેમજ દેશનું ભાવી એવા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
- Advertisement -