26.1 C
Ahmedabad
Tuesday, August 11, 2026

કોલંબિયામાં 7.4 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ: અનેક દેશોમાં આંચકા અનુભવાયા, 79 લોકોના મોત


દક્ષિણ અમેરિકી મહાદ્વીપના કોલંબિયામાં સોમવારે એક શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પ્રચંડ ભૂકંપે દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયા અને તેની સાથે જોડાયેલા પડોશી દેશ ઇક્વાડોરને હચમચાવી દીધા છે. ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને તેઓ પોતાના ઘરો તેમજ ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા.

7.4 રહી ભૂકંપના આંચકાની તીવ્રતા

યુનાઇટેડ સ્ટેટ્સ જ્યોલોજિકલ સર્વે અને કોલંબિયાની સંબંધિત એજન્સી બંનેએ ભૂકંપની તીવ્રતા 7.4 માપી છે. બંને એજન્સીઓનું કહેવું છે કે, ભૂકંપનું કેન્દ્ર ખૂબ જ ઊંડાઈ પર હતું. ભૂકંપનું કેન્દ્ર ‘સાન હોજે ડેલ પાલ્માર’ (San José del Palmar) હતું. જે કોલંબિયાની રાજધાની બોગોટાથી આશરે 250 માઈલ (400 કિલોમીટર) પશ્ચિમમાં આવેલો વિસ્તાર છે.

79 લોકોના મૃત્યુ

ભૂકંપ બાદ અધિકારીઓએ જણાવ્યું કે, ઇમારતો ધરાશાયી થવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. અને કાટમાળ નીચે લોકો દટાયા હોવાની પણ આશંકા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 79 લોકોના મોત થયા છે. આ ઉપરાંત, જુદા જુદા વિસ્તારોમાં બચાવ કામગીરી (રેસ્ક્યુ ઓપરેશન) હજુ પણ ચાલુ છે. નોંધનીય છે કે, આ ભૂકંપ જૂનના અંતમાં વેનેઝુએલામાં આવેલા 7.2 અને 7.5 તીવ્રતાના ભૂકંપો બાદ આવ્યો છે. તે ભૂકંપોમાં સેંકડો ઇમારતો નષ્ટ થઈ ગઈ હતી અને 5,000થી વધુ લોકોનાં મોત થયાં હતાં. તે વેનેઝુએલામાં છેલ્લા 125 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.

રાષ્ટ્રપતિએ ખુદ સંભાળી કમાન

મધ્ય અને પશ્ચિમ કોલંબિયામાં નાના ભૂકંપ, જેને “ટેમ્બલોરેસ” કહેવામાં આવે છે, તે સામાન્ય છે. પરંતુ 6.0 થી વધુ તીવ્રતાવાળા ભૂકંપ ઓછા જ આવે છે…વર્ષ 1999માં આર્મેનિયા શહેર પાસે આવેલા 6.2 તીવ્રતાના ભૂકંપમાં 1,100થી વધુ લોકોનાં મોત થયાં હતાં. કોલંબિયાના નવા રાષ્ટ્રપતિ અબેલાર્ડો ડે લા એસ્પ્રીએલાએ (Abelardo de la Espriella) સોમવારે જણાવ્યું કે દેશમાં આવેલા ભૂકંપ બાદ સાન હોજે ડેલ પાલ્મારમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા સરકારની કાર્યવાહીની કમાન તેમણે ખુદ સંભાળી લીધી છે…તેમણે કહ્યું, “તમે એકાકી નથી…સરકાર તમારી સાથે છે અને તાત્કાલિક પગલાં લઈ રહી છે.”

રિક્ટર સ્કેલ પર ભૂકંપના માપદંડ

  • 4 થી 4.9 તીવ્રતા: ઘરમાં રાખેલો સામાન પોતાની જગ્યાએથી નીચે પડી શકે છે.

  • 5 થી 5.9 તીવ્રતા: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે છે.

  • 6 થી 6.9 તીવ્રતા: ઇમારતોનો પાયો ધ્રૂજી કે તિરાડ પડી શકે છે.

  • 7 થી 7.9 તીવ્રતા: ઇમારતો ધરાશાયી થઈ જાય છે.

  • 8 થી 8.9 તીવ્રતા: સુનામીનો ખતરો રહે છે અને ભારે તારાજી સર્જાય છે.

  • 9 કે તેથી વધુ તીવ્રતા: સૌથી ભીષણ અને સર્વનાશક તારાજી થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -