અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ: 9 લોકોના કરૂણ મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર શનિવારે એક ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે.જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, તેનો અવાજ લગભગ 5 કિમી દૂર સુધી સંભળાયો હતો. અને તેની તીવ્રતાના કારણે શ્રમિકોના મૃતદેહો ક્ષત-વિક્ષત થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોમાંથી 4 લોકોને એલ.જી. હોસ્પિટલ અને 3 લોકોને અસરવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
રાહત અને બચાવ કામગીરી ફેક્ટરી વસ્ત્રાલ સ્થિત આર.એ.એફ. (RAF) કેમ્પની પાછળ આવેલી હોવાથી, વિસ્ફોટનો અવાજ સાંભળતા જ ત્યાં તૈનાત જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ જવાનોએ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. હાલ ફાયર બ્રિગેડની 5 થી વધુ ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને કુલિંગની પ્રક્રિયા ચાલુ છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું છે કે, મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4 લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને રૂ. 50,000ની આર્થિક સહાય આપવામાં આવશે.
PM મોદી દ્વારા સહાયની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ‘X’ પર લખ્યું, “અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના છે.”
-
મૃતકોના પરિવાર માટે: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2,00,000 રૂપિયાની સહાય.
-
ઈજાગ્રસ્તો માટે: 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
વરિષ્ઠ અધિકારીઓની હાજરી ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદના મેયર હિતેશ બારોટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના અધિકારીઓ, ઝોન-8 ના ડીસીપી મયુર પાટીલ અને સેક્ટર-2 ના જેસીપી જયપાલ સિંહ રાઠોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) કક્ષાના અધિકારી દ્વારા સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની અટકાયત કરી લેવામાં આવી છે.
અગાઉની ઘટના નોંધનીય છે કે, આ પહેલા 27 જૂનના રોજ ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજ વિસ્તારમાં પણ એક ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. તે ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના 10 કિમી વિસ્તારમાં ભૂકંપ જેવા આંચકા અનુભવાયા હતા. જોકે સદનસીબે તેમાં કોઈના મોત થયા નહોતા.
- Advertisement -
- Advertisement -