31.5 C
Ahmedabad
Friday, July 10, 2026

ગુજરાતની યશકલગીમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ: બાગાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગુજરાતને મળ્યું બહુમાન


તાજેતરમાં જ ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. નવી દિલ્હી ખાતે આયોજિત ‘૧૭મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવ-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહમાં ગુજરાતને બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય સ્તરના “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૨૬”થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ તથા રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ કિસનરાવ બગડેના વરદહસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ ગુજરાત વતી આ બહુમાન કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્વીકાર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતના કૃષિ ક્ષેત્રમાં નીતિ નિર્માતાઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે સંવાદ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી વર્ષ ૧૯૯૮માં શરૂ થયેલું ‘એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ’ આજે દેશના કૃષિ અર્થતંત્રના એક પ્રભાવશાળી પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વર્ષ ૨૦૦૮માં મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. સ્વામીનાથનના પરામર્શથી આ ગ્રુપ દ્વારા “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ”ની પહેલ કરવામાં આવી હતી, જેની ૧૭મી કડી તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજાઈ છે. આ પુરસ્કાર મૂલ્યાંકન સમિતિના વડા ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ પી. સદાશિવમ છે, જે તેની પારદર્શિતા અને ગરિમા દર્શાવે છે.

પુરસ્કાર સ્વીકાર્યા બાદ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બાગાયત ક્ષેત્રે થયેલી ઉત્કૃષ્ટ અને દિશાદર્શક કામગીરી તથા નવાચારનાં પરિણામે ગુજરાતને આ સન્માન પ્રાપ્ત થયું છે. મંત્રી શ્રી વાઘાણીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ સન્માન માત્ર સરકારનું નથી. પરંતુ ગુજરાતના લાખો પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગની ટીમનું છે. તેમણે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ગુજરાતના અન્નદાતાઓના ચરણોમાં સમર્પિત કરીને રાજ્યના તમામ ખેડૂતો, બાગાયત ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓ અને કૃષિ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અગાઉ વર્ષ ૨૦૦૯ અને વર્ષ ૨૦૧૪માં ગુજરાતને ‘શ્રેષ્ઠ કૃષિ રાજ્ય’ તરીકેનો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ એનાયત થયો હતો. તે સમયે મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ અને ટપક સિંચાઈ પદ્ધતિ જેવી નવતર પહેલોના માધ્યમથી ૧૦મી પંચવર્ષીય યોજનામાં દેશમાં સૌથી વધુ ૯.૯%નો ઐતિહાસિક કૃષિ વૃદ્ધિ દર હાંસલ કર્યો હતો.

ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં પણ ગુજરાતને ‘શ્રેષ્ઠ કૃષિ રાજ્ય’ તરીકે તથા વર્ષ ૨૦૧૯માં પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ એનાયાત થયો હતો. આજે સાત વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતને બાગાયત ક્ષેત્ર માટે આ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ રાજ્ય માટે માત્ર ગર્વનો વિષય નથી, પરંતુ કૃષિ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરવા માટે પ્રેરણા આપતો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ ગૌરવપૂર્ણ સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ, રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ કિસનરાવ બગડે, ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી શ્રી સૂર્યપ્રતાપ સાહી તથા ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને જ્યુરી અધ્યક્ષ જસ્ટિસ પી. સદાશિવમ સહિતના વરિષ્ઠ મહાનુભાવોએ ગુજરાતની મોડેલ કૃષિ નીતિઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગુજરાત સરકાર અને રાજ્યના ખેડૂતોને વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -