મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને નિમણૂંક પત્રો એનાયત કરાશે
ગૃહ વિભાગ દ્વારા રાજ્યના સુરક્ષા તંત્રને વધુ મજબૂત બનાવવા અને યુવાનોને રોજગારીની ઉત્કૃષ્ટ તક પૂરી પાડવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે તા.8 જુલાઈ 2026ને બુધવારના રોજ બપોરે 12:00 વાગ્યે ગાંધીનગરના સેક્ટર-9 સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામેલા 449 યુવા અને પ્રતિભાશાળી ઉમેદવારો માટેનો ‘નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ’ યોજાશે.
આ ગરિમામય સમારોહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાનેથી યોજાશે. મુખ્યમંત્રીશ્રીના વરદ્દહસ્તે નવનિયુક્ત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને સત્તાવાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે અને તેમને આશીર્વચન પાઠવશે.
આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઉત્સાહ વધારશે. આ ઉપરાંત, અતિથિ વિશેષ તરીકે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નીરજા ગોટરૂ, ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર અને રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિક હાજર રહી નવનિયુક્ત અધિકારીઓને પ્રોત્સાહિત કરશે.
- Advertisement -
- Advertisement -