પાલનપુર સિવિલમાં માત્ર 6 mm ના ચીરાથી સફળ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી; રાજસ્થાનના સાંચોરની મહિલાને અસહ્ય પીડામાંથી મળી કાયમી રાહત
પાલનપુર ખાતે આવેલી બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં આધુનિક તબીબી ટેકનોલોજી અને નિષ્ણાત તબીબોની કુશળતાથી વધુ એક નોંધપાત્ર સિદ્ધિ નોંધાઈ છે. રાજસ્થાનના સાંચોર તાલુકાના પથમેડા ગામની 42 વર્ષીય માંગીબેન પ્રજાપતિની માત્ર 6 mm ના ઝીણા ચીરા દ્વારા અત્યાધુનિક એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. સર્જરી બાદ દર્દીને વર્ષોથી સતાવતી અસહ્ય કમરની પીડા, બંને પગમાં ઝણઝણાટી અને ચાલવામાં પડતી ગંભીર તકલીફમાંથી કાયમી રાહત મળી છે.
માંગીબેન છેલ્લા ત્રણ વર્ષથી કમરના દુખાવા, બંને પગમાં અસહ્ય પીડા, ઝણઝણાટી તેમજ ઊભા રહેવા અને ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. તેમની સ્થિતિ એવી બની ગઈ હતી કે રોજિંદા કામકાજ પણ અન્ય વ્યક્તિની મદદ વગર કરી શકતા ન હતા.
અંતે પરિવારજનોએ ગત 18 મેના રોજ પાલનપુર બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગનો સંપર્ક કર્યો હતો.વિભાગના તબીબોએ દર્દીની વિગતવાર તપાસ કરી MRI, X-ray તેમજ અન્ય જરૂરી લોહીના તમામ રિપોર્ટ કરાવ્યા હતા. તપાસમાં કમરના ભાગે ડિસ્ક (ગાદી) ખસી જવાને કારણે કરોડરજ્જુની નસો પર ભારે દબાણ આવતું હોવાનું નિદાન થયું હતું, જેના કારણે દર્દીને અસહ્ય પીડા અને ચાલવામાં તકલીફ થતી હતી.
દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ જરૂરી તપાસો અને લોહીના રિપોર્ટ પૂર્ણ થયા બાદ દર્દીને દાખલ કરી બીજા જ દિવસે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે ચાર કલાક સુધી ચાલેલા આ જટિલ ઓપરેશન દરમિયાન સ્પાઇન સર્જન ડૉ. ધવલ પ્રજાપતિ, ડૉ. નવેન્દુ અને ડૉ. નરેશની ટીમે અત્યંત કુશળતા અને સાવચેતીપૂર્વક એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. જ્યારે એનેસ્થેસિયા વિભાગમાં ડૉ. રિદ્ધિ, ડૉ. ધવલ, ડૉ. કૌશલ્યા અને ડૉ. શ્રેયા સહિતની ટીમે સમગ્ર સર્જરી દરમિયાન મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી.
વિશ્વની સૌથી આધુનિક ગણાતી એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી પદ્ધતિમાં અગાઉની જેમ મોટો ચીરો મૂકવાની જરૂર રહેતી નથી. માત્ર 6 mm ના નાના કાણાં દ્વારા કેમેરા અને વિશેષ સાધનોની મદદથી સર્જરી કરવામાં આવે છે. પરિણામે દર્દીને ઓછો દુખાવો થાય છે, લોહીનું નુકસાન ખૂબ ઓછું થાય છે, ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે. અને દર્દી ખૂબ જ ઝડપથી સામાન્ય જીવનમાં પરત ફરી શકે છે.
આ સર્જરી સંપૂર્ણ સફળ રહી હતી. દર્દી ઓપરેશનના એ જ દિવસે પોતાના પગે ચાલી શક્યા હતા અને પગનો અસહ્ય દુખાવો તેમજ ઝણઝણાટી લગભગ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હતી. સારવાર બાદ બે દિવસ સુધી તબીબોની દેખરેખ હેઠળ રાખ્યા બાદ તેમની તબિયત સંપૂર્ણ સ્થિર થતાં બીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં હવે કરોડરજ્જુના જટિલ રોગોની અત્યાધુનિક અને અસરકારક સારવાર ઉપલબ્ધ બનતાં ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાનના દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ માંગીબેન પ્રજાપતિ અને તેમના પરિવારજનોએ સમગ્ર તબીબ મંડળ, નર્સિંગ સ્ટાફ તેમજ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના તમામ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
- Advertisement -