કાળમુખો શુક્રવાર: પાકિસ્તાનમાં ક્ષમતા કરતાં વધુ ભરેલી બસ ખીણમાં પડી, 40 ના મોત, 8 ગંભીર
પાકિસ્તાનમાં શુક્રવારે સવારે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનની સરહદ નજીક એક પૂરઝડપે જઈ રહેલી પેસેન્જર બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે.જ્યારે અન્ય 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ‘દાના સર’ વિસ્તારમાં થયો હતો. બસ હાઇવે પર ખૂબ જ તેજ ગતિએ જઈ રહી હતી. ત્યારે જ ચાલકે કાબૂ ગુમાવ્યો અને બસ રોડ પરથી નીચે પથ્થરોથી ભરેલી ઊંડી ખીણમાં પડી ગઈ.
અધિકારીઓએ જણાવ્યું કે બસ પહેલાથી જ મુસાફરોથી ખિચોખિચ ભરેલી હતી. આ ઉપરાંત, રસ્તામાં બગડી ગયેલી અન્ય એક બસના મુસાફરોને પણ આ જ બસમાં બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે વાહનમાં ક્ષમતા કરતા વધુ ભાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં ઓવરલોડિંગને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી ચલાવી રહી છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા સૂચના આપી છે.
બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને પ્રશાસનને રાહત તથા બચાવ કાર્ય ઝડપી બનાવવા અને ઘાયલોની સારવારમાં કોઈ કસર ન છોડવા નિર્દેશ આપ્યા છે.
નોંધ: પાકિસ્તાનમાં બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક નિયમોનું નબળું પાલન અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવું એ અવારનવાર મોટા માર્ગ અકસ્માતોનું કારણ બને છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં આવા અકસ્માતો સતત સામે આવતા રહે છે. આ પહેલા મે મહિનામાં પણ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક મિની બસ ઊભેલી બસ સાથે અથડાઈ હતી, જેમાં 17 લોકોના મોત થયા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા.
- Advertisement -
- Advertisement -