રશિયાનો યુક્રેન પર મોટો હુમલો: એક જ રાતમાં 74 મિસાઇલો અને 496 ડ્રોન વરસાવ્યા, કિવમાં ભારે તબાહી વચ્ચે 27ના મોત
પશ્ચિમ એશિયા (West Asia) માં ઈરાન અને અમેરિકા (Iran and America) વચ્ચે શરૂ થયેલું યુદ્ધ ભલે શમી ગયું હોય, પરંતુ યુરેશિયામાં એક જંગ વિતેલા 4 વર્ષથી ચાલુ છે. રશિયા અને યુક્રેન (Russia and Ukraine) વચ્ચેના આ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકોનું જીવન પ્રભાવિત થયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (American President Donald Trump) ના પ્રયાસો છતાં પણ બંને દેશો વચ્ચે અત્યાર સુધી કોઈ સમજૂતી થઈ શકી નથી. આ દરમિયાન હવે રશિયાએ આગમાં ઘી હોમતા યુક્રેનની રાજધાની કિવ પર ઘણો મોટો હુમલો કરી દીધો છે. માહિતી મુજબ, યુક્રેન પર આ વર્ષનો આ સૌથી મોટો એટેક છે. આનાથી સમગ્ર કિવમાં ભારે તબાહી મચી છે અને ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે.
અહેવાલો અનુસાર, રશિયાએ કિવ પર ગુરુવારે વહેલી સવારે આ હુમલો કર્યો હતો. આ દરમિયાન સેંકડો ડ્રોન અને ડઝનબંધ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર, રશિયાએ રાતભરમાં અંદાજે 74 મિસાઇલો અને 496 ડ્રોન દાગ્યા હતા. આખી રાત કિવના કેટલાક વિસ્તારોમાં સતત બ્લાસ્ટના અવાજો ગુંજતા રહ્યા હતા. હજારો લોકો પોતાનો જીવ બચાવવા માટે બોમ્બ શેલ્ટર્સ અને અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનો તરફ ભાગતા જોવા મળ્યા હતા. બીજી તરફ સમગ્ર શહેર કાળા ધુમાડાની લપેટમાં આવી ગયું હતું.
યુક્રેનના અધિકારીઓએ 27 મોતોની પુષ્ટિ કરી છે. કિવ સૈન્ય પ્રશાસનના વડા તિમુર તકાચેન્કોએ જણાવ્યું છે કે હોસ્પિટલમાં દાખલ એક ઘાયલ વ્યક્તિના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 27 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, બચાવ અભિયાન હજી પણ ચાલુ છે અને કાટમાળમાં દબાયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં મૃતકોની સંખ્યા હજી વધી શકે છે. ડઝનબંધ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. માહિતી અનુસાર, આ હુમલામાં શહેરની આશરે 130 ઈમારતો પણ તબાહ થઈ ગઈ છે.
વિદેશ પ્રવાસ છોડીને પરત ફર્યા ઝેલેન્સકી હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને પોતાનો આયર્લેન્ડ પ્રવાસ અધૂરો છોડીને પરત ફરવું પડ્યું છે. તેમણે પરત ફરતાની સાથે જ હુમલાથી પ્રભાવિત કેટલાક સ્થળોની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન ઝેલેન્સકીએ પશ્ચિમી દેશો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ઝેલેન્સકીએ કહ્યું કે જો વચન મુજબ પશ્ચિમી દેશોએ સમયસર એર ડિફેન્સ સિસ્ટમ ઉપલબ્ધ કરાવી દીધી હોત, તો તબાહી થોડી ઓછી થઈ હોત. તેમણે કહ્યું, “જો અમારા સહયોગીઓએ તેમના વચનો મુજબ સમયસર વાયુ સંરક્ષણ પ્રણાલી (એર ડિફેન્સ સિસ્ટમ) આપી હોત, તો કદાચ આજે આપણે ઘણા લોકોના જીવ બચાવી શક્યા હોત. અમે તેમની પાસે કોઈ વધારાની મદદ નથી માંગી રહ્યા. પણ ઓછામાં ઓછું એ તો આપવામાં આવે જેનું વચન આપ્યું હતું.”
રશિયા શું બોલ્યું? આ દરમિયાન રશિયાએ આ હુમલાને યુક્રેનના હુમલાઓનો જવાબ ગણાવ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે ટેલિગ્રામ પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે રશિયન સેનાએ હવાઈ, દરિયાઈ અને જમીની મિસાઈલો તેમજ ડ્રોનથી યુક્રેનના સૈન્ય મથકો, ઉર્જા કેન્દ્રો અને કિવ સહિતના કેટલાય એરપોર્ટને નિશાન બનાવ્યા છે. રશિયાએ કહ્યું કે આ હુમલો તાજેતરના દિવસોમાં રશિયન રિફાઇનરીઓ પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે.
- Advertisement -
- Advertisement -