ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર આરોન સમર્સને જેલની સજાની સંભાવના: સગીરાના યૌન શોષણનો ગુનો કબૂલ્યો
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર આરોન સમર્સને જેલની સજાની સંભાવના: સગીરાના યૌન શોષણનો ગુનો કબૂલ્યો મેલબોર્ન: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ ફાસ્ટ બોલર આરોન સમર્સે સગીરા સાથેના યૌન શોષણના ગંભીર આરોપો અદાલતમાં સ્વીકારી લીધા છે. ગુનો કબૂલ્યા બાદ હવે તેના પર લાંબી જેલની સજાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ મામલો વર્ષ 2018નો છે.જેની સુનાવણી હાલ તસ્માનિયાની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.
⚖️ અદાલતમાં ગુનો સ્વીકાર્યો 30 વર્ષીય આરોન સમર્સ તસ્માનિયા અને હોબાર્ટ હરિકેન્સ તરફથી સ્થાનિક ક્રિકેટ રમી ચૂક્યો છે. ‘ડેઈલી મેલ’ના અહેવાલ મુજબ, જૂનના અંતમાં અદાલતમાં પોતાનો પક્ષ બદલતા તેણે આરોપો સ્વીકારી લીધા હતા. તેણે સગીરાના યૌન શોષણના બે મામલા અને અશ્લીલ સામગ્રી બતાવવાના ઉદ્દેશ્યથી બાળકીને બહેલાવવા-ફોસલાવવા (ગરૂમિંગ)ના એક મામલામાં પોતાનો ગુનો કબૂલ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, જ્યારે સમર્સ હોબાર્ટ હરિકેન્સ ટીમનો ભાગ હતો, ત્યારે તેણે સોશિયલ મીડિયા દ્વારા પીડિતાનો સંપર્ક કર્યો હતો અને આ ગુનાને અંજામ આપ્યો હતો.
📱 “જીવનના મુશ્કેલ તબક્કામાં થઈ ભૂલ” – બચાવ પક્ષની દલીલ સમર્સ વતી વકીલાત કરી રહેલા કેરોલિન ગ્રેવ્સે અદાલતમાં જણાવ્યું હતું કે, આ ઘટનાઓ તેના જીવનના અત્યંત મુશ્કેલ તબક્કામાં બની હતી. તે સમયે તે સામાજિક રીતે એકલો પડી ગયો હતો અને સોશિયલ મીડિયા પર જરૂરિયાત કરતાં વધુ સમય વિતાવતો હતો. વકીલે દાવો કર્યો હતો કે સમર્સને હવે પોતાના કૃત્ય પર પસ્તાવો છે અને ભવિષ્યમાં આવો ગુનો ફરી થવાની સંભાવના નહિવત છે.
🚫 પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસીની આશા ઠગારી નીવડી વકીલે અદાલતને વિનંતી કરી હતી કે સમર્સ પોતાના આ ગુનાને ક્યારેય ભૂલી નહીં શકે, પરંતુ તેને હવે જિંદગીમાં આગળ વધવાની તક મળવી જોઈએ. તેમણે ઉમેર્યું કે જ્યારે આ ઘટનાઓ બની, ત્યારે સમર્સ દુનિયાના સૌથી ઝડપી બોલરોમાં ગણાતો હતો અને તેની ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાની સંભાવનાઓ પ્રબળ હતી. જોકે, હવે ઓસ્ટ્રેલિયા કે વિદેશમાં પ્રોફેશનલ ક્રિકેટમાં તેની વાપસી અશક્ય બની ગઈ છે.
📂 અગાઉ પણ જેલની સજા ભોગવી ચૂક્યો છે આ પહેલો મામલો નથી જેમાં સમર્સનું નામ સામે આવ્યું હોય. આ અગાઉ વર્ષ 2021 માં પણ નોર્ધન ટેરિટરીમાં બાળકોના યૌન શોષણ સંબંધિત અશ્લીલ સામગ્રી રાખવા અને તેને શેર કરવાના અલગ મામલામાં તેણે ગુનો સ્વીકાર્યો હતો.જેમાં તેને જેલની સજા પણ થઈ ચૂકી છે. કોર્ટનો કડક વલણ: ચાલુ કેસમાં બચાવ પક્ષે અદાલત પાસે સજા માફ કરવાની માંગ કરી હતી, પરંતુ જજ હેલેન વુડે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ મામલામાં આવી કોઈ રાહત મળવાની શક્યતા નથી. હાલમાં જામીન પર રહેલા સમર્સને કસ્ટડીમાં મોકલી દેવાયો છે અને અદાલત આગામી ઓગસ્ટ મહિનામાં તેની સજાનું એલાન કરશે.
- Advertisement -
- Advertisement -