30.5 C
Ahmedabad
Friday, July 3, 2026

રાજ્યપાલે ઘોઘા તાલુકાના કરેડા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી..ખેતરમાં હળ પણ ચલાવ્યું..


રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઘોઘા તાલુકાના કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂત શ્રી કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું, ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો તેમજ પરંપરાગત ગ્રામ્ય જીવન અને કૃષિ સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા ખેતરમાં હળ ચલાવ્યું હતું.

આ વેળાએ તેમણે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો.

રાજ્યપાલશ્રીએ ખેડૂતોને સલાહ આપતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર એક વૈકલ્પિક કૃષિ પદ્ધતિ નથી, પરંતુ ધરતીમાતા, પર્યાવરણ અને સમગ્ર માનવજાતના આરોગ્યના રક્ષણનો ટકાઉ માર્ગ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેક ઉપયોગથી જમીનની ફળદ્રુપતા, ભૂગર્ભ જળ અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. જ્યારે ઝેરી અવશેષ ધરાવતા ખાદ્યપદાર્થો માનવ આરોગ્ય માટે પણ ચિંતાજનક બની રહ્યા છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને બહુવિધ પાક પદ્ધતિથી જમીનની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતા સતત વધે છે.

રાજ્યપાલશ્રીએ પોતાના અનુભવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે અને તેમાં ઉત્તમ ઉત્પાદન સાથે જમીનની ઉપજાવ ક્ષમતામાં પણ સતત વધારો નોંધાયો છે.

રાજ્યપાલશ્રીએ ખેડૂતોને શરૂઆતમાં પોતાની જમીનના એક ભાગમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરવાની અપીલ કરી હતી. તેમણે કૃષિ વિભાગ અને આત્મા વિભાગને ગામેગામ જાગૃતિ અને તાલીમ અભિયાન દ્વારા વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સફળ અને પ્રેરણાદાયી મોડલ ફાર્મોની મુલાકાત લઈ ત્યાં અપનાવવામાં આવતી પદ્ધતિઓને નજીકથી સમજવા, આવા મોડલ ફાર્મની મુલાકાતથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વ્યવહારુ અનુભવ, ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને આત્મનિર્ભર ખેતીની દિશામાં પ્રેરણા મળશે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. એન. પરમાર તથા મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -