34.4 C
Ahmedabad
Wednesday, July 1, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવ્યો


સ્વચ્છતાને સૌનો સહિયારો સંકલ્પ અને સમાજનો સહજ સ્વભાવ બનાવવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન

“પહેલું સુખ તે જાતે નર્યા” અને ” પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર”ના સંદેશને જીવનમાં ઉતારવાની જરૂર છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

તા. ૦૧ થી ૦૭ જુલાઈ દરમિયાન રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે

સ્વચ્છતા હવે હોસ્પિટલોની રોજિંદી પ્રક્રિયા બનશે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા સ્વચ્છતાને સૌનો સહિયારો સંકલ્પ અને જનજનનો સહજ સ્વભાવ બનાવવાનું આહવાન કર્યુ હતુ.

સ્વચ્છતા માત્ર એક સપ્તાહ પૂરતી મર્યાદિત પ્રવૃત્તિ નહીં, પરંતુ દરેક વ્યક્તિના સ્વભાવ અને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનવી જોઈએ એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે “પહેલું સુખ તે જાતે નર્યા” અને ” પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર”નો સંદેશ જીવનમાં ઉતારવાની જરૂર છે. સ્વચ્છતા અને સ્વાસ્થ્ય એકબીજા સાથે રીતે જોડાયેલા હોવાનું કહીને તેમણે ગંદકી ન ફેલાવવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાની સામૂહિક જવાબદારી નિભાવવા પ્રેરણા આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન, હર ઘર જલ, ઉજ્જ્વલા યોજના, આયુષ્યમાન ભારત સહિતની અનેક પહેલોથી દેશના નાગરિકોના આરોગ્ય અને જીવનની ગુણવત્તા સુધારવા સાથે સ્વચ્છતા – સ્વસ્થતા માટે અસરકારક પ્રયાસો કર્યા છે. છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત તા.1થી 7 જૂલાઈ સાત દિવસો દરમિયાન હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં જૂનું ફર્નિચર, આઉટડેટેડ મેડિકલ સાધનો તેમજ બિનજરૂરી દસ્તાવેજોનો યોગ્ય નિકાલ કરીને સમગ્ર પરિસરને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ અભિયાન માત્ર સાપ્તાહિક અભિયાન નહિં પરંતુ રોજિંદી સ્વચ્છતાનું અભિયાન બને તે માટેની જવાબદારી નિભાવવા તેમણે દ્રષ્ટાંતો સહિત જણાવ્યું હતું..

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમૃતપાન અભિયાન બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું છે. બાળકને જન્મથી જ યોગ્ય પોષણ અને સુરક્ષા મળે તે માટે વ્યાપક જનજાગૃતિ લાવવીએ સમયની માંગ છે. સ્વસ્થ બાળક જ સ્વસ્થ સમાજ અને વિકસિત રાષ્ટ્રનો પાયો બની શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ભૌતિક સુખ-સુવિધાઓ કરતાં સારું સ્વાસ્થ્ય વધુ મૂલ્યવાન છે. બીમારી દરમિયાન અનુભવાતો તણાવ સ્વાસ્થ્યનું સાચું મહત્વ સમજાવે છે. આયુષ્યમાન કાર્ડને ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ ગણાવતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારો સુધી આરોગ્ય સુવિધાઓનો નોંધપાત્ર વિકાસ થયો છે.

આરોગ્ય સેવા એ માત્ર વ્યવસાય નહીં પરંતુ માનવસેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના આશીર્વાદથી મોટી સંપત્તિ બીજી કોઈ નથી તેમ તેમણે ઉમેર્યું હતું.

હોસ્પિટલજન્ય ચેપનું પ્રમાણ ઘટાડવા માટે સંક્રમણ નિયંત્રણને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂકતાં મુખ્યમંત્રીશ્રીએ તમામ આરોગ્ય કર્મચારીઓ અને નાગરિકોને સહિયારા પ્રયાસોથી સ્વચ્છ, સ્વસ્થ અને વિકસિત ગુજરાતના નિર્માણમાં જોડાવા પ્રેરણા આપી હતી.

રાષ્ટ્રીય ડોક્ટર દિવસના અવસરે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ ડોક્ટરોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આરોગ્ય ક્ષેત્રે તેમના યોગદાનને બિરદાવ્યું હતું.

‘નેશનલ ડૉક્ટર્સ ડે’ નિમિત્તે તમામ ડૉક્ટરોને આ વિશેષ દિવસની શુભકામનાઓ પાઠવતાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક ઐતિહાસિક અને વિશાળ ‘નમો સ્વચ્છતા અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન માત્ર એક દિવસ કે કલાક પૂરતું સીમિત નથી, પરંતુ આગામી ૭ દિવસ સુધી સતત ચાલશે અને ત્યારબાદ તેને હોસ્પિટલોની રોજિંદી પ્રક્રિયાનો એક ભાગ બનાવવામાં આવશે.

વધુમાં મંત્રી શ્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત હોસ્પિટલ કેમ્પસ કે રૂમોમાં ઘણા સમયથી પડી રહેલી ભાંગી-તૂટેલી ખુરશીઓ, નકામા કમ્પ્યુટર્સ, જૂના ટેમ્પો અને ભંગાર એમ્બ્યુલન્સનો ૭ દિવસમાં સંપૂર્ણ નિકાલ કરી, તે જગ્યાનો ઉપયોગ દર્દીઓની સુવિધા માટે કરવામાં આવશે. તમામ સિવિલ હોસ્પિટલો તેમજ પીએચસી-PHC અને સીએચસી-CHC સેન્ટરોમાં તૂટેલી ટાઇલ્સ, દરવાજા, બારીઓ, લાઈટ-પંખાનું ફિટિંગ અને ટોયલેટમાં લીકેજ નળના રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષોની ઉજવણીના ભાગરૂપે આ સ્વચ્છતા અભિયાન તેમને એક શ્રેષ્ઠ ભેટ સમાન છે. “મન સ્વચ્છ, શરીર સ્વચ્છ, મારું આરોગ્ય ભવન સ્વચ્છ”ના મંત્ર સાથે ગુજરાતનો આરોગ્ય વિભાગ દેશભરમાં મોખરાનું સ્થાન જાળવી રાખશે તેવો વિશ્વાસ આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વ્યક્ત કર્યો હતો.

આ રાજ્યવ્યાપી મહાઅભિયાન દરમિયાન રાજ્યની તમામ ૧૧,૯૩૫ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં કેમ્પસથી લઈને અગાશી -ટેરેસ સુધી સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

કાર્યક્રમની શરૂઆતમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે આભારવિધિ શહેરી આરોગ્ય કમિશનર ડૉ. સંધ્યા ભુલ્લરે કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા સહીત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘અમૃતપાન અભિયાન માર્ગદર્શિકા’ અને ‘ફ્લિપ ચાર્ટ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સફાઈ કરીને “નમો સ્વચ્છતા અભિયાન”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશકુમાર પટેલ, ગ્રામ્ય આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ, કલેક્ટર શ્રી રવીન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જાસ્મીન, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ તથા GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -