31.9 C
Ahmedabad
Wednesday, July 1, 2026

‘ક્યાં છે આપણી સુરક્ષા?’ અડધી રાત્રે અભિનેત્રી સાથે બેંગલુરુમાં છેડતી


બિગ બોસ કન્નડ ફેમ અને અભિનેત્રી દિવ્યા સુરેશ ચર્ચામાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર તેની એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. અભિનેત્રીએ રવિવારે મોડી રાત્રે બેંગલુરુના રોડ પર પોતાની સાથે થયેલી કથિત સતામણીની એક ખૂબ જ ચોંકાવનારી ઘટનાનો ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કરતા અભિનેત્રીએ આ કડવો અનુભવ શેર કર્યો અને શહેરમાં મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા. તેણે સ્પષ્ટપણે પૂછ્યું કે, જે સુરક્ષાનો વાદો અને દાવો કરવામાં આવે છે, તે આખરે ક્યાં છે?

૩૩ વર્ષીય દિવ્યા સુરેશે જણાવ્યું કે, આ ઘટના રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્યાની છે. જ્યારે તે પોતાની પિતરાઈ બહેન (કઝિન) સાથે કાર તરફ જઈ રહી હતી. આ દરમિયાન એક અજ્ઞાત વ્યક્તિએ તેનો પીછો કરવાનું શરૂ કરી દીધું અને અત્યંત અશ્લીલ હરકતો કરવા લાગ્યો. દિવ્યાના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ પીછો કરતા-કરતા જાહેરમાં પોતાને ખોટી રીતે સ્પર્શી રહ્યો હતો. જ્યારે તેણે આ હરકતનો વિરોધ કર્યો અને તેને ટોક્યો, ત્યારે પણ તે અટક્યો નહીં અને તેઓ કારમાં બેઠા ત્યાં સુધી સતત પીછો કરતો રહ્યો.

પોલીસને ટેગ કરીને પૂછ્યા આકરા સવાલો

આ સમગ્ર ઘટનાને દિવ્યાએ પોતાના કેમેરામાં પણ રેકોર્ડ કરી લીધી છે.જેના વીડિયોમાં તેની કઝિન તેને પોલીસને ફોન કરવાની સલાહ આપતી જોવા મળી રહી છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર બેંગલુરુ પોલીસને ટેગ કરતા અભિનેત્રીએ આકરો સવાલ પૂછ્યો કે,

“આખરે એ સુરક્ષા ક્યાં છે જેનો અમારી સાથે હંમેશા વાદો કરવામાં આવે છે?”

તેણે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈ પણ મહિલાએ માત્ર એટલા માટે સતામણીનો ભોગ ન બનવું જોઈએ કારણ કે તે રાત્રે બહાર ચાલી રહી છે.

કોણ છે દિવ્યા સુરેશ?

દિવ્યા સુરેશ મનોરંજન જગતનું એક જાણીતું નામ છે. તેણે વર્ષ ૨૦૧૭માં ‘મિસ ઇન્ડિયા સાઉથ’નો ખિતાબ જીત્યો હતો અને આ જ વર્ષે ફિલ્મ ‘#9, હિલ્ટન ક્રોસ’થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તે ‘રાઉડી બેબી’ અને ‘હિરણ્યા’ જેવી ફિલ્મો ઉપરાંત ‘નાન્ના હેન્દથી એમબીબીએસ’ જેવી લોકપ્રિય સીરિયલોમાં પણ જોવા મળી ચૂકી છે. વર્ષ ૨૦૨૧માં સુપરસ્ટાર કિચ્ચા સુદીપ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ‘બિગ બોસ કન્નડ સીઝન ૮’થી તેને ઘરે-ઘરે મોટી ઓળખ મળી હતી.

ભૂતકાળમાં વિવાદો સાથે જોડાયું હતું નામ

સુરક્ષાની માંગ કરનારી દિવ્યા સુરેશનું નામ ગયા વર્ષે એક ગંભીર કાનૂની વિવાદમાં પણ આવ્યું હતું. ૪ ઓક્ટોબર ૨૦૨૫ની મોડી રાત્રે બેંગલુરુના બ્યાતરાયનપુરા વિસ્તારમાં એક હિટ-એન્ડ-રન રોડ અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસ બાદ પોલીસે દિવ્યા સુરેશને તે અકસ્માતગ્રસ્ત કારના ચાલક તરીકે નામિત કરી હતી. આ મામલામાં પોલીસે તેની કાર જપ્ત કરીને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -