ફ્રાન્સમાં 3 દિવસમાં 1,000 લોકોના મોત
યુરોપમાં આકાશમાંથી વરસી રહેલી આગ હવે જીવલેણ સાબિત થઈ રહી છે. ફ્રાન્સની નેશનલ પબ્લિક હેલ્થ એજન્સીએ રવિવારે એક અત્યંત ચોંકાવનારો અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે આવેલા ભીષણ હીટવેવ (લૂ) ના પીક દરમિયાન ફ્રાન્સમાં આશરે 1,000 વધારાના મોત નોંધાયા છે. આ આંકડો માત્ર ત્રણ દિવસની અંદરનો છે, જેણે સરકાર અને આરોગ્ય એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. સૌથી વધુ પ્રભાવિત પેરિસ વિસ્તાર રહ્યો છે. જ્યાં એકલા રહેતા વૃદ્ધોએ પોતાના ઘરોમાં જ દમ તોડી દીધો હતો. એજન્સીએ આશંકા વ્યક્ત કરી છે કે, આ આંકડો હજી પણ વધી શકે છે. કારણ કે રેસિડેન્શિયલ કેર સેન્ટરો અને ઘરોમાં થયેલા મોતના ચોક્કસ આંકડા આવવાના બાકી છે.
ઇટાલી અને પોલેન્ડમાં પારો 40 ડિગ્રીને પાર
ગરમીનો આ પ્રકોપ માત્ર ફ્રાન્સ પૂરતો સીમિત નથી. જર્મની, ઇટાલી અને પોલેન્ડ જેવા દેશો પણ આ સમયે ભીષણ ગરમીની લપેટમાં છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ દેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવાની સંભાવના છે. જેના કારણે આગામી દિવસોમાં સામાન્ય જનજીવન વધુ પ્રભાવિત થઈ શકે છે.
WHO ચીફ ટેડ્રોસની ચેતવણી
આ ભયાનક પરિસ્થિતિ પર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના મહાનિદેશક ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચેતવણી આપતા તેમણે કહ્યું,
“જવાયુ પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) અને ગ્લોબલ વોર્મિંગના કારણે જે હીટવેવ પેઢીમાં એકાદ વાર આવતી હતી. તે હવે દર વર્ષે આવી રહી છે. અતિશય ગરમી એક ‘સાઇલેન્ટ કિલર’ (છૂપો હત્યારો) છે. યુરોપના ઘર, ઓફિસ અને સ્કૂલો આ પ્રકારના રેકોર્ડબ્રેક તાપમાનને સહન કરવા માટે બન્યા નથી.”
WHO પ્રમુખના જણાવ્યા અનુસાર, 21 જૂનથી અત્યાર સુધીમાં સમગ્ર યુરોપમાં ગરમી સંબંધિત 1,300 થી વધુ વધારાના મોત થઈ ચૂક્યા છે.
‘વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન’ ના વૈજ્ઞાનિકોના તાજેતરના અભ્યાસ મુજબ, માનવ પ્રવૃત્તિઓ કGroupારણે થઈ રહેલા ક્લાઇમેટ ચેન્જ વિના યુરોપમાં આવી રેકોર્ડબ્રેક ગરમી અને અસહ્ય ઉકળાટ હોવો અશક્ય હતો. 50 વર્ષ પહેલાં આવી પરિસ્થિતિની કલ્પના પણ થઈ શકતી નહોતી.
જર્મની અને ચેક રિપબ્લિકમાં પણ રેકોર્ડ તૂટ્યા
ગરમીની આ ખતરનાક સિસ્ટમ હવે ધીમે-ધીમે યુરોપ ખંડના પૂર્વીય ભાગો તરફ આગળ વધી રહી છે, જેનાથી નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે:
-
જર્મની: જર્મનીના મોકર્ન-ડ્રેવિટ્ઝમાં દિવસનું તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે કુબશુત્ઝમાં રાત્રિનું તાપમાન પણ 29.4 ડિગ્રીથી નીચે નહોતું ઉતર્યું. ભીષણ ગરમીના કારણે જર્મનીના એવા જંગલોમાં ભયાનક આગ લાગી ગઈ છે. જ્યાં બીજા વિશ્વ યુદ્ધના સમયના જીવતા બોમ્બ દટાયેલા છે. જેના કારણે ત્યાં બ્લાસ્ટ (ધડાકા) થઈ રહ્યા છે.
-
ચેક રિપબ્લિક: દેશના ઉત્તરીય શહેર ડોક્સાનીમાં રવિવારે પારો 41.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો, જેણે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

