બાંગ્લાદેશને હરાવી સેમિફાઇનલની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, બોલરો બાદ શેફાલી વર્મા ચમકી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે આઇસીસી (ICC) મહિલા ટી-20 વર્લ્ડ કપ 2026ની 23મી મેચ એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ, માન્ચેસ્ટર ખાતે રમાઈ હતી. જ્યાં બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તેમની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 136 રન બનાવ્યા હતા.
જવાબમાં શેફાલી વર્માની શાનદાર બેટિંગના દમ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 16.5 ઓવરમાં જ 5 વિકેટથી મેચ જીતી લીધી અને સેમિફાઇનલ તરફ ડગલું માંડ્યું.
બાંગ્લાદેશે સન્માનજનક સ્કોર ઊભો કર્યો
ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમને સારી શરૂઆત ન મળી. દિલારા અખ્તર માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ઓપનર જુઆરિયા ફિરદોસે 33 રનની ઇનિંગ રમી હતી. તેને સાથ આપતા સોભના મોસ્તરીએ પણ 22 રન બનાવ્યા હતા.
કેપ્ટન નિગાર સુલ્તાનાએ પણ મહત્વના 32 રનનું યોગદાન આપ્યું. જોકે, ત્યારબાદ કોઈ ખેલાડી મોટો સ્કોર બનાવી શકી નહીં, જેના કારણે બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 136 રન બનાવ્યા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તરફથી રાધા યાદવે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય શ્રી ચરણીએ 2 વિકેટ મેળવી હતી. જ્યારે રેણુકા સિંહ ઠાકુર અને નંદિની શર્માને પણ 1-1 વિકેટ મળી હતી.
શેફાલી વર્મા બની ટીમ ઇન્ડિયાની જીતની હીરો
137 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને સારી શરૂઆત મળી હતી. જોકે સ્મૃતિ મંધાના માત્ર 8 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ ઓપનર શેફાલી વર્માએ અદ્ભુત પ્રદર્શન કરતા 34 બોલમાં 53 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેને સાથ આપતા પહેલા યાસ્તિકા ભાટિયાએ 23 રન બનાવ્યા, તો જેમિમા રોડ્રિગ્સે પણ મહત્વના 26 રન જોડ્યા. જેના કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 16.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે જ ટીમ ઇન્ડિયા હવે સેમિફાઇનલની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે.
- Advertisement -
- Advertisement -