

અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર (રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક) તુલસી ગબાર્ડે પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે એક મોટો ધડાકો કર્યો છે. તેમણે કોવિડ-19 મહામારીની ઉત્પત્તિ સાથે જોડાયેલા એવા ગુપ્ત દસ્તાવેજો અને વાતચીતની વિગતો જાહેર કરી છે, જે અત્યાર સુધી દુનિયા સામે આવ્યા ન હતા. આ દસ્તાવેજો સીધા અમેરિકી રાષ્ટ્રપતિના પૂર્વ મુખ્ય તબીબી સલાહકાર ડૉ. એન્થની ફાઉચી તરફ આંગળી ચિંધે છે.
1. ‘ડૉ. ફાઉચીએ વુહાન લેબને આપ્યા લાખો ડોલર’
તુલસી ગબાર્ડનો ગંભીર આરોપ છે કે જ્યારે ડૉ. એન્થની ફાઉચી ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝ’ (NIAID) ના વડા હતા, ત્યારે તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. ફાઉચીએ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં ચામાચીડિયાના કોરોના વાયરસ પર થનારા અત્યંત ખતરનાક ‘ગેઇન-ઓફ-ફંક્શન’ (Gain-of-function) રિસર્ચ માટે અમેરિકી જનતાના ટેક્સના પૈસામાંથી લાખો ડોલરનું ફંડિંગ મંજૂર કર્યું હતું.
2. ‘કોરોના લીક થયાની વાત દબાવી, સંસદ સમક્ષ જૂઠું બોલ્યા’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક વીડિયો જાહેર કરીને ગબાર્ડે જણાવ્યું કે:
“પોતાની કરતૂતો છુપાવવા અને વાયરસ વુહાન લેબમાંથી લીક થયાની સચ્ચાઈ દબાવવા માટે ડૉ. ફાઉચીએ ગુપ્તચર સમુદાયના કેટલાક રાજકીય વિચારધારા ધરાવતા લોકો સાથે સાંઠગાંઠ કરી હતી. એટલું જ નહીં, ૨૦૨૪માં શપથ લીધા બાદ તેમણે અમેરિકી કોંગ્રેસ (સંસદ) સમક્ષ ખોટી માહિતી આપી અને જૂઠું બોલ્યા.”
3. ‘ડીપ સ્ટેટ’ જેવું ષડયંત્ર: ટ્રમ્પના એજન્ડા હેઠળ થયો ખુલાસો
ગબાર્ડના જણાવ્યા અનુસાર, આ ચોંકાવનારા દસ્તાવેજો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘પારદર્શિતા એજન્ડા’ હેઠળ એક વર્ષ સુધી ચાલેલી સમીક્ષા દરમિયાન હાથ લાગ્યા છે. તેમણે ઇન્ટેલિજન્સ એજન્સીઓના એવા વ્હિસલબ્લોઅર્સ (માહિતી લીક કરનારાઓ) ના નિવેદનો પણ નોંધ્યા છે, જેમને સાચું બોલવા બદલ વિભાગીય કનડગત અને બદલાની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, ડૉ. ફાઉચી એકસાથે ઘણી ભૂમિકાઓ ભજવી રહ્યા હતા—તેઓ સરકારી રિસર્ચર પણ હતા, ગુપ્તચર એજન્સીના સલાહકાર પણ હતા અને સરકારી નીતિના પ્રવક્તા પણ હતા.
દુનિયાભરમાં ફેલાયેલી બાયો-લેબ્સનો પર્દાફાશ
આ અગાઉ ૧૨ જૂનના રોજ પણ ગબાર્ડની ઓફિસે (ODNI) એક સનસનાટીપૂર્ણ દાવો કર્યો હતો. તે અનુસાર, અમેરિકી સરકાર યુક્રેન સહિત વિશ્વના ૩૦થી વધુ દેશોમાં ૧૨૦થી વધુ બાયોલોજિકલ લેબ્સને લાંબા સમયથી ફંડિંગ આપી રહી છે. આમાંની કેટલીક લેબ્સ ગુપ્ત રીતે ઘાતક પેથોજેન્સ (રોગ ફેલાવતા જીવાણુઓ) પર સંશોધન કરી રહી છે, જેની માહિતી જનતાથી છુપાવવામાં આવી હતી.
તુલસી ગબાર્ડે કેમ આપ્યું અચાનક રાજીનામું?
અત્રે ઉલ્લેખનીય છે કે, તુલસી ગબાર્ડે ૨૨ મેના રોજ ટ્રમ્પ વહીવટીતંત્રના રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું હતું, જે ૩૦ જૂન, ૨૦૨૬ થી અમલી બનશે. રાજીનામા પાછળ તેમણે કૌટુંબિક કારણ આપતા જણાવ્યું હતું કે તેમના પતિ અબ્રાહમ હાડકાના અત્યંત દુર્લભ કેન્સર (Bone Cancer) સામે લડી રહ્યા છે, જેથી તેઓ પરિવારને સમય આપવા માંગે છે. જોકે, રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો છે કે ઈરાન પર હુમલો કરવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના તાજેતરના નિર્ણય બાદ બંને વચ્ચે મતભેદો સર્જાયા હતા.