બનાસ સિવિલના તબીબોની કમાલ: અકસ્માતમાં ફેફસું ફાટી ગયેલા યુવાનને જટિલ સર્જરી કરી નવજીવન આપ્યું


બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના તબીબોએ વધુ એક વખત પોતાની ઉત્કૃષ્ટ તબીબી સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગોળા-જલોત્રા નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 23 વર્ષીય શ્રમિક યુવાનની છાતી અને ફેફસાની જટિલ સર્જરી (થોરાકોટોમી) કરીને તબીબોએ તેને મોતના મોંમાંથી બહાર લાવ્યો છે.
અકસ્માતની વિગત
મૂળ રાજસ્થાનના આબુરોડ નજીકના સુરપગલા ગામના વતની અને હાલ દાંતા વિસ્તારમાં ખેતમજૂરી કરતા 23 વર્ષીય મગનાભાઈ ગત 14 મેના રોજ પોતાના ભાઈ સાથે બાઈક પર દાંતાથી પાલનપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન ગોળા-જલોત્રા ગામ પાસે તેમની બાઈક અને પીકઅપ ડાલા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, મગનાભાઈને હાથ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા.
હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર અને નિદાન
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપી એક્સ-રે સહિતના જરૂરી રિપોર્ટ્સ કરાવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે, છાતીના ભાગે ભારે દબાણ આવવાને કારણે ફેફસાંને ગંભીર નુકસાન પહોંચ્યું હતું અને દર્દીની હાલત અત્યંત નાજુક હતી.
1 કલાક ચાલેલી જટિલ સર્જરી સફળ રહી
દર્દીની ગંભીર સ્થિતિ જોઈને તબીબોએ વિલંબ કર્યા વિના અત્યંત જટિલ ગણાતી થોરાકોટોમી (છાતી અને ફેફસાની સર્જરી) કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારની સંમતિ બાદ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયાલિસ્ટ ટીમ બનાવવામાં આવી હતી:
-
સર્જરી ટીમ: ડૉ. કલ્પેશ પટેલ, ડૉ. રેખા ચૌધરી અને ડૉ. સાર્થક પટેલ
-
સહયોગી સ્ટાફ: એનેસ્થેસિયા વિભાગના તબીબો અને નર્સિંગ ટીમ
તબીબોની આ ટીમે આશરે એક કલાકની ભારે જહેમત બાદ આ મુશ્કેલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી.
20 દિવસની સારવાર બાદ યુવાન સાજો થઈ ઘરે પરત ફર્યો સર્જરી બાદ યુવાનને અંદાજે 20 દિવસ સુધી હોસ્પિટલમાં તબીબોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. સારવારના અંતે યુવાનની તબિયતમાં સંપૂર્ણ સુધારો થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગરીબ પરિવારના વહારે આવી મફતમાં કિંમતી સારવાર કરવા બદલ દર્દીના પરિવારે બનાસ સિવિલના તબીબો અને નર્સિંગ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
- Advertisement -
- Advertisement -