ધરતી ધ્રુજીને સમુદ્ર ઘુઘવાયો: ફિલિપાઇન્સમાં ભૂકંપના 3 ઉપરાઉપરી આંચકા બાદ ઊંચી લહેરો ઉછળી, ઇન્ડોનેશિયા-મલેશિયામાં પણ સુનામીનું એલર્ટ

ફિલિપાઇન્સના દક્ષિણ ભાગમાં સોમવારે સવારે ૭.૮ની તીવ્રતાનો અત્યંત વિનાશક ભૂકંપ ત્રાટક્યો છે. ભૂકંપના આ જોરદાર આંચકા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી આવતા ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. કુદરતી આફતના કારણે અત્યાર સુધીમાં ૧૯ લોકોના મોત નીપજ્યા છે અને ૨૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ વિસ્તારમાં હોવાનું સામે આવ્યું છે. આ આપત્તિના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.
૩ મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા: દરિયાકાંઠો ખાલી કરાવાયો ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મિંડાનાઓ ટાપુ પર આવેલા જનરલ સેન્ટોસ શહેરથી ૧૩ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં, જમીનથી ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. સ્થાનિક સમય મુજબ સવારે ૭:૩૭ વાગ્યે આ આંચકો અનુભવાયો હતો. સુનામીના કારણે દરિયામાં ૧ મીટર ઊંચી લહેરો ઉઠી ચૂકી છે, જ્યારે પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ચેતવણી આપી છે કે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ૩ મીટર (આશરે ૧૦ ફૂટ) સુધી ઊંચા મોજા ઉછળી શકે છે.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે લોકોને તાત્કાલિક દરિયાકાંઠાના વિસ્તારો છોડીને ઊંચાઈવાળા સુરક્ષિત સ્થળોએ જતા રહેવા અપીલ કરી છે. ફિલિપાઇન્સ ઉપરાંત પાડોશી દેશ ઇન્ડોનેશિયા અને મલેશિયાના સત્તાધીશોએ પણ પોતાના તટીય વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરી દીધી છે. આ ઉપરાંત તાઇવાન, જાપાન, ગુઆમ અને પાપુઆ ન્યૂ ગિનીમાં પણ નાની સુનામી લહેરો આવવાની શક્યતા છે.
એક કલાકમાં ભૂકંપના ૩ પ્રચંડ આંચકા અનુભવાયા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ, સવારે ૫:૦૭ વાગ્યાથી ૬:૨૫ વાગ્યાની વચ્ચે જ ધરતી ૩ વાર જોરદાર રીતે ધ્રુજી ઉઠી હતી:
-
પહેલો આંચકો: સવારે ૫:૦૭ વાગ્યે આવ્યો, જેની તીવ્રતા ૭.૭ હતી અને તેનું કેન્દ્ર જમીનથી ૯૩ કિમી ઊંડે હતું.
-
બીજો આંચકો: સવારે ૫:૧૮ વાગ્યે આવ્યો, જેની તીવ્રતા ૬.૪ હતી અને કેન્દ્ર ૭૯ કિમી ઊંડે હતું.
-
ત્રીજો આંચકો: સવારે ૬:૨૫ વાગ્યે અનુભવાયો, જેની તીવ્રતા ૬.૬ નોંધાઈ હતી અને કેન્દ્ર ૭૬ કિમી ઊંડાઈએ હતું.
શા માટે ફિલિપાઇન્સમાં વારંવાર આવી આપત્તિ આવે છે? ફિલિપાઇન્સ વિશ્વના સૌથી વધુ આપત્તિ પ્રભાવિત દેશોમાં મોખરે છે. આ દેશ પ્રશાંત મહાસાગર (Pacific Ocean) ના ચારેય તરફ ફેલાયેલી ભૂકંપની સક્રિય તિરાડોના વલય પર આવેલો છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘રિંગ ઓફ ફાયર‘ (Ring of Fire) કહેવામાં આવે છે. આ ભૌગોલિક સ્થિતિના કારણે અહીં વારંવાર શક્તિશાળી ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ થતા રહે છે. આ સિવાય આ ટાપુ સમૂહ પર દર વર્ષે સરેરાશ ૨૦ જેટલા વાવાઝોડા અને દરિયાઈ તોફાનો પણ ત્રાટકે છે. હાલમાં ત્યાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
- Advertisement -
- Advertisement -